• Gujarati News
  • West Indies Vs Sri Lanka 2013 5th Tri series Match Preview

વિન્ડીઝ ફાઇનલમાં પ્રવેશ નિ‌શ્ચિ‌ત કરવા રમશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકા સ્પર્ધામાં ટકી રહેવા વિન્ડીઝને લડત આપશે, શ્રીલંકા જીતે તો પણ તેણે ફાઈનલમાં નિ‌શ્ચિ‌ત પ્રવેશ મેળવવા ભારતને હરાવવું પડશે અન્યથા રનરેટ પર નિર્ણય લેવાશે, ટેન સ્પોર્ટ્સ પરથી સાંજે ૭.૦૦ કલાકે પ્રસારણ

ભારતની જોરદાર લડતને લીધે ત્રિકોણીય જંગ એકદમ ખુલ્લો બની ગયો છે, વેસ્ટ ઈન્ડીઝની ટીમ તેના સુકાની ડ્વેઈન બ્રેવોની સેવા રવિવારની શ્રીલંકા સામેની અત્યંત મહત્વપૂર્ણ મેચમાં ગુમાવશે પણ ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવવા વિજય માટે તમામ પ્રયાસ કરશે. કેરેબિયન ટીમનો સતત બે વિજય બાદ ભારતીય ટીમ સામે વરસાદગ્રસ્ત મેચમાં ૧૦૨ રને પરાજય થયો હતો.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ મોટા પરાજયમાંથી ઝડપથી બહાર આવે એ પહેલાં ભારત સામેની મેચમાં પણ ધીમા ઓવર રેટને લીધે ૧૨ માસમાં બીજી વખત ઓવર-રેટના નિયમ ભંગ બદલ સુકાની ડ્વેઇન બ્રેવોને સસ્પેન્ડ કરાતા વિન્ડીઝે સુકાની વગર મેદાનમાં ઊતરવું પડશે. લીગની શરૂની ભારત સામેની મેચમાં બ્રેવો ઇજાને લીધે બહાર બેઠો ત્યારે ભારત સામે ટીમને વિજય તરફ દોરી જનારો કિરોન પોલાર્ડ ટીમનું નેતૃત્વ કરે એવી શક્યતા છે.

ભારતને હરાવીને ઊંચા મનોબળ સાથે મેદાનમાં ઊતરનારી શ્રીલંકા સામે વિન્ડીઝની ટીમ જોરદાર દેખાવ માટે આતુર છે. યજમાન ટીમે શ્રીલંકા સામેની મેચ અગાઉ આસાનીથી જીતી લીધી હતી. જોરદાર દેખાવ કરી રહેલી વેસ્ટઈન્ડીઝની ટીમના બોલરો શુક્રવારે ભારતીય બેટસમેનો સામે તો પાંગળા પુરવાર થયા જ પરંતુ વળી તેના બેટસમેનો પણ ભારતીય બોલરો સામે સાવ કંગાળ સાબિત થયા હતા.

બ્રેવો એક મેચ માટે સસ્પેન્ડ

એક વર્ષમાં બીજી વખત ધીમા ઓવર રેટ બદલ દોષિત ઠેરવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝના સુકાની ડ્વેન બ્રેવોને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે . તેથી તે રવિવારે રમાનારી શ્રીલંકા સામેની મેચમાં રમી શકશે નહીં. શુક્રવારે રમાયેલી ભારત સામેની મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમે પ૦ ઓવર નાખવા માટે નક્કી કરાયેલા નિર્ધારિત સમય કરતાં એક ઓવર ઓછી નાંખી હતી. તેથી જ મેચ રેફરી જેફ ક્રોવે વેસ્ટ ઇન્ડીઝના સુકાની ડ્વેન બ્રેવોને મેચ ફીના ૨૦ ટકા અને ટીમના અન્ય ખેલાડીઓને મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકાર્યો હતો. ગયા મહિ‌ને ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમને ધીમા ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.