ભારત અને વિન્ડીઝ-એ ટીમોનો મુકાબલો રોમાંચક બન્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટ ઇન્ડીઝ અને ભારતની એ-ટીમો વચ્ચેનો મુકાબલો અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. વિજય માટે મળેલા ૧૮૬ રનના લક્ષ્યાંક સામે ભારતે તેના બીજા દાવમાં ૨૨ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ દાવમાં ૨પ રનની સરસાઇ મેળવનાર ભારતે બીજા દાવમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝને ૨૧૦ રનના સ્કોરે તંબુભેગું કરી દીધું હતું. રોહિ‌ત શર્માએ ચાર તથા ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત-એ ટીમે ત્રીજા દિવસની રમતના અંત પહેલાંની દસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગ બેટ્સમેન અભિનવ મુકુંદ (૦), અજિંક્ય રહાણે (પ) તથા રોહિ‌ત શર્મા (૩) પેવેલિયન પરત ફરી ચૂક્યા છે. ઝડપી બોલર જેસન હોલ્ડરે બે વિકેટ ખેરવી હતી. હોલ્ડરે પ્રથમ મુકુંદને જોનાથાન કાર્ટરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ તેણે રહાણેને આઉટ કર્યો હતો. ડેલોર્ન જ્હોન્સને ફોર્મમાં રહેલા રોહિ‌ત શર્માને આઉટ કરીને પ્રવાસી ટીમને મોટો ફટકો પહોંચાડયો હતો. સુકાની ચેતેશ્વર પૂજારા ખાતું ખોલાવ્યા વિના તથા શિખર ધવન ૧૩ રને રમી રહ્યા હતા. અગાઉ વિન્ડીઝની ટીમે વિના વિકેટે ત્રણ રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. લેન્ડલ સિમન્સ અને બ્રાથવેઇટે ૬૮ રનની ભાગીદારી નોંધાવીને વિન્ડીઝ-એ ટીમ માટે સંગીન શરૂઆત કરી હતી. સિમન્સે પ૩ તથા બ્રાથવેઇટે પ૦ રન બનાવ્યા હતા. અહેમદે સિમન્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. રોહિ‌ત શર્માએ નીચલા ક્રમની ચાર વિકેટ ઝડપી હતી.