ટી૨૦: ગુજરાતનો વિજય સાથે પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રને આઠ વિકેટે હરાવ્યું મહારાષ્ટ્ર ૨૦ ઓવરમાં ૮/૧૪૭ ગુજરાત ૧૪.૨ ઓવરમાં ૨/૧૪૮ અસદ પઠાણ ૪૪ બોલમાં ૮૭…

અસદ પઠાણની ઝંઝાવાતી ઇનિંગ્સની મદદથી ગુજરાતનો અહીંના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ટૂર્નામેન્ટની મેચમાં મહારાષ્ટ્ર સામે આઠ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીત્યા બાદ મહારાષ્ટ્રને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મહારાષ્ટ્રે ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાને ૧૪૭ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે અસદ પઠાણની આક્રમક ઇનિંગ્સની મદદથી ૧૪.૨ ઓવરમાં જ ઝીલી લીધો હતો.

અસદ પઠાણે ૪૪ બોલમાં અણનમ ૮૭ રનની ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે ચાર બાઉન્ડ્રી અને સાત સિક્સર ફટકારી હતી. અસદ પઠાણની સામે મહારાષ્ટ્રના બોલર લાચાર જણાતા હતા. ગુજરાતની ઇનિંગ્સની સાતમી ઓવરમાં અક્ષય દારેકરે બાઉન્ડ્રી પર અસદ પઠાણનો કેચ ચોડયો હતો જે મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. અસદે પોતાની અડધી સદી ચાર બાઉન્ડ્રી અને ચાર સિક્સરની મદદથી ફક્ત ૨૩ બોલમાં જ પૂરી કરી હતી. ગુજરાતે ૨૬ રનના સ્કોરે સુકાની પાર્થિ‌વ પટેલની પહેલી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ અસદ અને નિરજે ૮૬ રનની ભાગીદારી કરીને ગુજરાતના વિજયનો પાયો નાખ્યો હતો.

અગાઉ મહારાષ્ટ્રે ઇનિંગ્સની શરૂઆત ધીમી ગતિએ કરી હતી. મહારાષ્ટ્રે ખાદિવાલે અને ઝોલની વિકેટ ફક્ત ૩૪ રનમાં જ ગુમાવી દીધી હતી. નાઇકે પ૨ રનની ઇનિંગ્સ રમીને મહારાષ્ટ્રને સન્માનજનક લક્ષ્યાંક સુધી પહોંચાડયું હતું.