'સ્વિચ હિ‌ટ’ને આઇસીસીએ માન્યતા આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓછી ટેસ્ટ મેચ રમનારા દેશે દરજ્જો ગુમાવવો પડશે, વન-ડેમાં બે નવા બોલ અંગે પુનર્વિ‌ચાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ 'સ્વિચ હિ‌ટ’ એટલે કે રિવર્સ સ્વિપને માન્યતા આપી દીધી છે. આઇસીસીની કમિટીએ સ્વીકાર્યું છે કે આ પ્રકારના શોટ મારવા માટે સ્કિલ્સની ખૂબ જ જરૂર હોય છે. આ પ્રકારના શોટથી ક્રિકેટ સમૃદ્ધ થઇ રહ્યું છે. બેઠકમાં ઇંગ્લેન્ડના ક્રિકેટર કેવિન પીટરસનની પણ ચર્ચા થઇ હતી. જેણે ટેસ્ટમાં સૌથી પહેલા 'સ્વિચ શોટ’ માર્યો હતો.

'સ્વિચ હિ‌ટ’ અંગે વિરોધ એટલા માટે હતો કારણ કે અમુક કાઉન્ટી ટીમોએ તેનો વિરોધ કર્યો હતો. આઇસીસી કમિટીના પ્રમુખ અનિલ કુંબલેની અધ્યક્ષતામાં લોર્ડ્ઝમાં બે દિવસની બેઠક યોજાઇ હતી. વન-ડેમાં એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવા અંગે પણ ચર્ચા થઇ હતી. તેને યથાવત્ રાખવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં વન-ડેમાં બે નવા બોલ અંગે પણ ચર્ચા થઇ હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેનાથી બેટ્સમેનોને વધારે લાભ મળી રહ્યો છે. આ અંગે ટેક્નિકલ સમિતિ કોઇ નિર્ણય લેશે.

ટેસ્ટ રમો અથવા દરજ્જો ગુમાવવો પડશે

ક્રિકેટના બીજા ફોર્મેટ માટે ટેસ્ટ ક્રિકેટને સ્થગિત કરાતાં આઇસીસી હવે ચિંતિત બન્યું છે. આ અંગે આઇસીસીએ જણાવ્યું છે કે જે ટીમો ચાર વર્ષમાં નક્કી કરેલી સંખ્યામાં ટેસ્ટ મેચ નહીં રમે તો તેની પાસેથી ટેસ્ટ રમવાની સત્તા છીનવાઇ જશે. ભારતના ભૂતપૂર્વ સુકાની અનિલ કુંબલેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અંગે આઇસીસીએ આપેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ક્રિકેટના બંને ફોર્મેટના કારણે ટેસ્ટ મેચોને સ્થગિત કરવામાં આવી હતી. આ અંગે આઇસીસીએ નિર્ણય લીધો છે કે જે દેશે ચાર વર્ષમાં તેણે રમવાની સંખ્યામાં ટેસ્ટ નહીં રમી હોય તો તેનો ટેસ્ટનો દરજ્જો પરત લઇ લેવામાં આવશે. સમિતિએ રમતના ત્રણેય ફોર્મેટ વચ્ચે સમતુલન રાખવા પર જોર કર્યું હતું.

૨૦૦૯થી અત્યાર સુધી ટેસ્ટ રમનારા દેશ

ઇંગ્લેન્ડ.......... ૪૯
ઓસ્ટ્રેલિયા.......... ૪૬
ભારત .......... ૪૨
સાઉથ આફ્રિકા .......... ૩૭
પાકિસ્તાન .......... ૩૬
શ્રીલંકા .......... ૩પ
વેસ્ટ ઇન્ડીઝ .......... ૩પ
ન્યૂઝીલેન્ડ .......... ૩૧
બાંગ્લાદેશ .......... ૧૮
ઝિમ્બાબ્વે .......... ૦૮