સાન ફ્રાન્સિસ્કો: આ બે વર્ષ પહેલાની વાત છે. તેણે જોયું કે એક માણસ બેસહારા લોકોને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કરે છે. આ એક અલગ પ્રકારની રમત હતી, જેને સ્ટ્રીટ સોકર કહેવાય છે. તે પણ આ રમત રમવા માગતો હતો. કારણ કે બાળપણથી જ તેને ફૂટબોલ પ્રત્યે લગાવ હતો. તે માણસ (બેન એન્ડરસન)ની સાથે જોડાઇ ગયો. હવે તે એ લોકોને ટ્રેનિંગ આપે છે, જે બેસહારા છે કે જેમની પાસે રહેવા માટે ઘર નથી અને સડકના કિનારે રહે છે. આ વ્યક્તિ છે 24 વર્ષનો ફિલિપ જોન્સ. તે બેસહારા લોકોને સ્ટ્રીટ સોકર શીખવવા માગે છે.
અમેરિકાનો 24 વર્ષીય ફિલિપ જોન્સ બેસહારા લોકોને એનજીઓ સાથે જોડીને ફૂટબોલને પ્રોત્સાહન આપવા માગે છે
જોન્સને તે લોકોમાં પોતાની છબી દેખાય છે. કારણ કે તે પણ આવી રીતના બેસહારા લોકોમાંનો જ એક છે. ઓકલેન્ડમાં જન્મેલો જોન્સ જ્યારે 10 વર્ષનો હતો, ત્યારે પરિવાર અહીં વસ્યો હતો. પિતાનું અવસાન થઇ ચૂક્યું હતું. માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. તેને સારા કપડાં પહેરવાનો શોખ હતો પરંતુ તેને પહેરવા માટે જૂનાં કપડાં જ અપાતા હતા. સાવકા ભાઇ માટે તમામ સુવિધાઓ હતી અને તેના માટે નહોતી. એટલા માટે તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. ચોરી કરવા લાગ્યો હતો. 17 વર્ષની ઉંમરમાં મોલમાંથી કપડાની ચોરી કરતા તે ઝડપાઇ ગયો હતો. તેને જેલની સજા થઇ હતી. માતાએ ઘરમાંથી કાઢી મુક્યો હતો. રોડના કિનારે રહેવા લાગ્યો હતો. પૈસા કમાવા માટે ડ્રગ્સના કારોબાર સાથે જોડાઇ ગયો હતો.
ડ્રગ્સ લેવાની આદત પડી ગઇ હતી. ફરીથી જેલ જવું પડ્યું હતું. ત્યાંથી રિહેબિલીટેશન સેન્ટર મોકલવામાં આવ્યો હતો. બાળપણમાં ફૂટબોલ રમતો હતો. અહીં ફરીથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. બહાર આવ્યો ત્યારે ફૂટબોલમાં જ આગળ વધવાનો નિર્ણય લીધો હતો. અત્યારે પણ રોડના કિનારે જ રહે છે. એન્ડરસન સાથે મુલાકાત થઇ. તેણે જોન્સના ફૂટબોલ પ્રેમને જોઇને સ્ટ્રીટ સોકર માટે મોટીવેટ કર્યો હતો. સાથે જ પોતાના જેવા બેસહારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે પણ. હવે જોન્સ ઘણા લોકોને ટ્રેનિંગ આપે છે. તે ફેશન ડિઝાઇનિંગ અને એડવર્ટાઇઝીંગમાં કારકિર્દી બનાવવા માગે છે.