તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીલંકા સામે ભુવનેશ્વરને પડતો મૂકવાની ભૂલ હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટ ઇન્ડીઝ ખાતેના ત્રિકોણીય જંગમાં ભારતે રમેલી તેની બંને મેચ ગુમાવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી તથા વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ટીમ માટે આ પરિણામ આશ્ચર્યજનક રહ્યા છે. પરંતુ મારું માનવું છે કે આ કોઇ ચિંતાનું કારણ નથી. પરાજય તમને તમે કેટલા સારા છો તેની યાદ અપાવે છે. કેટલાંક પરિણામ ટીમની આકરી કસોટી કરે છે તેવા કોહલીએ કરેલા નિવેદનને સમર્થન આપે છે.

ટૂર્નામેન્ટમાં ભારત ભલે છેલ્લા ક્રમે હોય પરંતુ મારા મતે કેરેબિયન ટાપુમાં તે અત્યારની સર્વશ્રેષ્ઠ ટીમ છે. ટીમ ખરાબ છે અને ટીમે ખરાબ દેખાવ કર્યો છે તેમાં ઘણો ફરક છે. ભારત હજુ પણ સારી ટીમ જ છે અને સત્ય બાબત એ છે કે ખેલાડીઓ સારું રમ્યા નથી. ભારત કરતાં વિન્ડીઝ અને શ્રીલંકા સારી ટીમો નથી પરંતુ તેમણે ભારત કરતાં વધારે સારી રમત દાખવી છે.

ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યાના ૨૪ કલાકમાં ભારતીય ખેલાડીઓ વિન્ડીઝ પહોંચ્યા છે જ્યાં તેઓ વન-ડે શ્રેણી રમવાના છે જેને છ મહિ‌ના બાદ કોઇ યાદ રાખવાનું નથી. પ્રત્યેક સારી ટીમ પાસેથી કોઇ પણ સ્થળે તથા પરિસ્થિતિમાં સારા દેખાવની આશા રાખવામાં આવે છે. ભારત ટીમમાં થોડીક આક્રમકતાનો અભાવ છે જે હું જાણું છું. પસંદગીમાં ભારતે કેટલાક બ્લન્ડર કર્યા છે તેને ભાગ્યે જ ભૂલી શકાય તેમ છે અને ભારતીય ટીમે આ પ્રકારના ખોટા નિર્ણયની કિંમત પણ ચૂકવી છે. ભુવનેશ્વરને પડતો મૂકવાની સૌથી મોટી ભૂલ હતી.

તે ફોર્મમાં છે અને જાડેજા સાથે તે હાલની ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર છે. ભુવનેશ્વર ટી૨૦ની ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરી શકે છે તે મેં જોયું છે. તે ઉમેશ યાદવ તથા ઇશાન્ત કરતાં ડેથ ઓવર્સમાં સારા સ્પેલ નાખી શકે છે. ફિલ્ડિંગ પણ ઉચ્ચ સ્તરની રહી નથી અને ઇનિંગ્સના પ્રારંભમાં મળેલા જીવતદાનનો શ્રીલંકન ઓપનર તરંગાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.