- બીજી વન-ડે: ઓસ્ટ્રેલિયાનો આઠ વિકેટે પરાજય, શ્રેણી ૧-૧થી સરભર, મેન ઓફ ધ મેચ થિરિમાને ૧૦૨
ઝડપી બોલર મલિંગા, તિષારા પરેરા તથા ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે કરેલી ઘાતક બોલિંગ બાદ લાહિરુ થિરિમાનેએ નોંધાવેલી અણનમ સદીની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને આસાનીથી આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. મેન ઓફ ધ મેચ બનેલા થિરિમાનેએ ૧૩૪ બોલમાં ૧૨ બાઉન્ડ્રી વડે અણનમ ૧૦૨ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાને ૧૭૦ રનના સ્કોરે ઓલઆઉટ કર્યા બાદ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ૪૦.૧ ઓવરમાં બે વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાએ પ૯ બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. થિરિમાને પોતાની વન-ડે કારકિર્દીની ૩૩મી મેચમાં પ્રથમ સદી નોંધાવીને પોતાની ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો.
તેણે સિનિયર બેટ્સમેન દિલશાન સાથે બીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. દિલશાને ૮૮ બોલમાં પ૧ રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સનો નબળો પ્રારંભ કરીને ૮૨ રનના સ્કોર સુધીમાં જ તેના પાંચ ટોચના બેટ્સમેન ગુમાવી દીધા હતા. બેઇલીએ ૨૬ તથા ડેવિડ હસ્સીએ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું.