દ. આફ્રિકાએ પાક.ને 211 રનથી રગદોળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝંઝાવાતી બોલર ડેલ સ્ટેઇને બીજા નવા બોલથી ઘાતક સ્પેલ નાખતા સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસને લંચ પહેલાં જ પાકિસ્તાનને ૨૧૧ રનથી રગદોળી નાખ્યું હતું. નવા બોલથી સ્ટેઇને તેની પ્રથમ ત્રણ ઓવરમાં જ ત્રીજા દિવસના અણનમ બેટ્સમેન મિસબાહ ઉલ હક તથા અશદ શફીકને આઉટ કરીને પાકિસ્તાનને પતનની શરૂઆત કરી હતી.

સ્ટેઇને બીજી ઇનિંગ્સમાં પ૨ રનમાં પાંચ વિકેટ સહિ‌ત મેચમાં કુલ ૬૦ રનમાં ૧૧ વિકેટ ઝડપી હતી. વિકેટકીપર એબી ડિવિલિયર્સે પણ પાંચ કેચ ઝડપીને પ્રથમ ઇનિંગ્સના છ સહિ‌ત કુલ ૧૧ કેચ ઝડપ્યા હતા. સાઉથ આફ્રિકાએ આપેલા ૪૮૦ રનના કપરા લક્ષ્યાંક સામે પાકિસ્તાનનો બીજો દાવ ૨૬૮ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. ડેલ સ્ટેઇનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિકેટકીપર ડીવિલિયર્સે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી નોંધાવવા ઉપરાંત મેચમાં ૧૦ કરતાં વધારે કેચ પકડનાર પ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી હતી. મિસબાહ સાથે પાંચમી વિકેટ માટે ૧૨૭ રનની ભાગીદારી નોંધાવ્યા બાદ અશદ આઉટ થયો હતો. તેણે ૧૬૮ બોલમાં નવ બાઉન્ડ્રી વડે પ૬ રન બનાવ્યા હતા. સાથી ખેલાડીને ગુમાવ્યા બાદ મિસબાહ એક રન ઉમેરાયો ત્યાં પેવેલિયન પરત ફર્યો હતો. મિસબાહે ૧૬૭ બોલમાં ૧૧ બાઉન્ડ્રી વડે ૬૪ રન નોંધાવ્યા હતા.