સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેનો વ્હાઇટવોશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકેટ ઝડપ્યા બાદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ખુશ થયા હતા તે તસવીર

બુલાવાયો : મેન ઓફ ધ મેચ તથા સિરીઝ બનેલા ઓપનર ક્વિન્ટન ડી કોકના શાનદાર ૮૪ રનની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઝિમ્બાબ્વેને ૧૩૬ બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપવાની સાથે ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સ ૩૯.પ ઓવરમાં ૧૬પ રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટના ભોગે ૨૭.૨ ઓવરમાં જ વિજય હાંસલ કરી લીધો હતો. આસાન સ્કોર સામે સાઉથ આફ્રિકાએ એક રનના સ્કોરે ઓપનર રોસોયુ (૦)ની વિકેટ ગુમાવી હતી.

ડી કોક તથા ડુ પ્લેસિસે બીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્લેસિસે ૩૩ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. ડી કોકે ડયુમિની (૨૮) સાથે ત્રીજી વિકેટ માટે ૭૦ રનની ભાગીદારી નોંધાવી ટીમનો વિજય નિ‌શ્ચિ‌ત કરી લીધો હતો. ડી કોકે ૭પ બોલમાં સાત બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન ચિગુમ્બુરાનું રહ્યું હતું જેણે ૧૨૨ બોલમાં ૯૦ રન બનાવ્યા હતા. સિકંદર રઝાએ ૩૦ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે ડી લેંગેએ ૩૧ રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી.