ઇન્ડિયન વેલ્સ ટેનિસ: નાદાલનો સંઘર્ષ, શારાપોવા જીતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇન્ડિયન વેલ્સ ટેનિસ & મેન્સ સિંગલ્સમાં ફેડરર-મરેની આગેકૂચ, લિસસ્કિી-ક્રેબર અપસેટનો ભોગ બની

વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી તથા વર્તમાન ચેમ્પિયન રફેલ નાદાલ, અનુભવી ખેલાડી રોજર ફેડરર તથા એન્ડી મરેએ ઇન્ડિયન વેલ્સ એટીપી માસ્ટર્સ ટેનિસ ટૂનૉમેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં ચોથી ક્રમાંકિત રશિયાની મારિયા શારાપોવા, સમાન્થા સ્ટોસુર તથા પેટ્રા ક્વિટોવાએ પણ પોતપોતાના મુકાબલા જીતી લઇને ડબ્લ્યુટીએ ટૂનૉમેન્ટમાં આગેકૂચ કરી હતી. નાદાલને ચેક રિપબ્લિકના રાડેક સ્ટેપનેક સામે ૨-૬, ૬-૪, ૭-૫થી વિજય મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

બ્રિટનના અનુભવી ખેલાડી મરેએ ચેક રિપબ્લિકના લુકાસ ડલુહીને ત્રણ સેટ સુધી રમાયેલા મુકાબલામાં ૪-૬, ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. સાતમા ક્રમાંકિત સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના પોલ હેનરી મેથિયૂ સામે સારી શરૂઆત કરી હતી પરંતુ બીજા સેટમાં તેણે ટાઇબ્રેકરમાં વિજય હાંસલ કર્યો હતો. ફેડરરે ૬-૨, ૭-૬થી મેચ જીતી હતી.રશિયાની ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત શારાપોવા ત્રીજા રાઉન્ડમાં ઇટાલીની ક્વોલિફાયર કેમિલા જયોર્જી સામે રમશે જેણે ૨૫મી ક્રમાંકિત રોમાનિયાની સોરેના ક્રિસ્ટિયુને ૭-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. શારાપોવાએ જર્મનીની જુલિયા જયોર્જિસને આસાનીથી ૬-૧, ૬-૪ના સ્કોરથી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.