સાનિયા-બ્લેક સેમિફાઇનલમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાનિયા-બ્લેક સેમિફાઇનલમાં
- સેમિફાઇનલમાં સાનિયાની જોડી જેઇ ઝેંગ તથા લ્યુસી હાર્ડેકા સામે રમશે
વિમેન્સ ડબલ્સમાં સાનિયા મર્ઝિા તથા કારા બ્લેકની જોડીએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને બીજી તરફ મેન્સ ડબલ્સમાં ભારતના અન્ય એક ખેલાડી લિએન્ડર પેસ તથા રાડેક સ્ટેપનેકની જોડીના અભિયાનનો અંત આવતા ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુરુવારનો દિવસ ભારત માટે મિશ્રિત રહ્યો હતો. પાંચમો ક્રમાંક ધરાવતી સાનિયા તથા બ્લેકની જોડીએ બીજો ક્રમાંક ધરાવતી રશિયાની એક્ટરિના માકારોવા તથા ઇલેના વેસનિનાની જોડીને એક કલાક અને ૧૧ મિનિટ સુધી રમાયેલી મેચમાં ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો.
સાનિયાની જોડી સેમિફાઇનલમાં ચેક રિપબ્લિકની લ્યુસી હાર્ડેકા તથા ચીનની જેઇ ઝેંગની જોડી સામે રમશે. હાર્ડેકા તથા ઝેંગની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ક્વેટા પેશ્ચકે તથા કેટરિના શ્રેબટોનિકને ભારે રસાકસી બાદ ૭-પ, પ-૭, ૧૦-૩થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં પેસ તથા તેના ચેક રિપબ્લિકના સાથી ખેલાડી સ્ટેપનેકની ચોથી જોડી સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર તથા સ્તેનિસ્લાસ વાવરિંકાની જોડી સામે એક કલાક અને ૧૯ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૩-૬, ૭-૬ (૬), ૪-૧૦થી હારી ગઇ હતી. સ્વિસ જોડી સેમિફાઇનલમાં એલેકઝાન્ડર પેયા તથા બ્રુનો સોરેસ સામે રમશે. પેસની જોડી હારી જતાં ટૂર્નામેન્ટના મેન્સ વિભાગમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે.