તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાર્ટોલી બીજી વખત ફાઇનલમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમિફાઇનલમાં લિપકિન્સને સીધા સેટમાં હરાવી
બાર્ટોલી ૨૦૦૭માં રનર્સ-અપ હતી


ફ્રાન્સની મારિયન બાર્ટોલીએ પોતાના શાનદાર અભિયાનને જારી રાખીને બેલ્જિયમની ક્રિસ્ટિન લિપકિન્સને સતત બે સેટમાં ૬-૧, ૬-૨થી હરાવીને વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બાર્ટોલી બીજી વખત ટાઇટલ મુકાબલામાં પહોંચી છે. અગાઉ ૧પમી ક્રમાંકિત બાર્ટોલી ૨૦૦૭માં અમેરિકાની વિનસ વિલિયમ્સ સામે હારીને રનર્સઅપ રહી હતી. બાર્ટોલીએ પ્રથમ સેમિફાઇનલમાં આક્રમક સર્વિ‌સ તથા શાનદાર ગ્રાઉન્ડ શોટ્સ રમીને લિપકિન્સની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

બાર્ટોલીએ ૬૨ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં પાંચ એસ તથા ૨૩ વિનર્સ ફટકાર્યા હતા. તેણે મેચમાં પાંચ વખત લિપકિન્સની સર્વિ‌સ પણ તોડી હતી. બાર્ટોલીએ બીજા સેટમાં ડબલ બ્રેક લઇને ૩-૦ની સરસાઇ મેળવી હતી. લિપકિન્સે ચોથી ગેમમાં પ્રથમ વખત બાર્ટોલીની સર્વિ‌સ તોડવામાં સફળતા મેળવી હતી.

રોહન બોપન્ના-વેસેલિનની જોડી પરાસ્ત

મેન્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના તથા તેના ફ્રેન્ચ સાથીદાર રોજર વેસેલિનના અભિયાનનો અંત આવ્યો હતો. વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતા બ્રાયન બંધુ માઇક તથા બોબ સામેની સેમિફાઇનલમાં ઇન્ડો-અમેરિકન જોડીનો ૬-૭ (૭-૪), ૬-૪, ૬-૩, પ-૭, ૬-૩થી પરાજય થયો હતો. આ મુકાબલો બે કલાક અને ૪૮ મિનિટ સુધી રમાયો હતો. બોપન્ના તથા વેસેલિનની જોડીએ મેચમાં ૨૯ એસ તથા ૪૦ વિનર્સ ફટકાર્યા હતા.

પૈસાના અભાવે જાનોવિઝે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવી હતી : પોલેન્ડના જ્ર્યોજી જાનોવિઝ આ વિમ્બલડનમાં યુવા ખેલાડી તરીકે સામે આવ્યો છે. ૨૨ વર્ષના આ ખેલાડીને રેન્કિંગમાં પોતાનાથી બહુ જ સારા ખેલાડીઓને માત આપીને પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. એક સમયે ૨૦૧૨માં તેની પાસે પોલેન્ડથી ઓસ્ટ્રેલિયા જવા માટે ફ્લાઈટના પૈસા ન હોઈ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ શક્યો ન હતો.

જોકોવિચ-મરેના રંગમાં ભંગ પડાવવા પોટ્રો-જાનોવિઝ તૈયાર

આર્જેન્ટિનાનો જુઆન માર્ટિ‌ન ડેલ પોટ્રો તથા પોલેન્ડનો જ્ર્યોજી‍ જાનોવિઝ વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચાલુ વર્ષે અપસેટ સર્જવાની પોતાની પરંપરા જાળવી રાખીને શુક્રવારે અહીં રમાનારી મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ તથા એન્ડી મરેનું સ્વપ્ન ચકનાચૂર કરવાના તમામ પ્રયાસ કરશે. યુએસ ઓપનમાં ૨૦૦૯નો ચેમ્પિયન પોટ્રો ક્વાર્ટર ફાઇનલમાં ડેવિડ ફેરર સામે ગ્રાન્ડસ્લેમમાંથી બહાર થતો બચ્યો હતો. પ્રથમ સેટમાં તેને ઘૂંટણમાં ઇજા થઇ હતી અને તેને કોર્ટ ઉપર જ લાંબા સમય સુધી મેડિકલ ટ્રિટમેન્ટ લેવી પડી હતી.

લાંબા કદનો આ આર્જેન્ટિનાનો ખેલાડી હવે વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત તથા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જોકોવિચનો સામનો કરશે. કોઇ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચનાર પોલેન્ડનો પ્રથમ ખેલાડી બનેલો જાનોવિઝનો સામનો યુએસ ઓપન તથા ઓલિમ્પિક ચેમ્પિયન બ્રિટનના સ્થાનિક ખેલાડી એન્ડી મરે સામે થશે. મરેનો લક્ષ્યાંક ૭૭ વર્ષમાં વિમ્બલડન ચેમ્પિયન બનનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી બનવાનો છે. જોકોવિચ પોટ્રો સામે ૮-૩ના વિજયનો રેર્કોડ ધરાવે છે. જોકે બંને વચ્ચે ગ્રાસકોર્ટ પર અગાઉ માત્ર એક જ મુકાબલો થયો છે જેમાં ડેલ પોટ્રોનો વિજય થયો હતો.