ફ્રેન્ચ ઓપન : ફેડરરની સંગીન શરૂઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની પ્રથમ ક્રમાંકિત સેરેના વિલિયમ્સ, સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર, સર્બિયાની એના ઇવાનોવિચ તથા ઇટાલીની પાંચમી ક્રમાંકિત સારા ઇરાનીએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટમાં પોતાના અભિયાનનો સંગીન પ્રારંભ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. શાનદાર ફોર્મમાં રહેલી સેરેનાએ જયોર્જિયાની એના તાતશિવલીને ૬-૦, ૬ -૧થી પરાજય આપ્યો હતો. ઇરાનીએ પણ આક્રમક રમત દાખવીને હોલેન્ડની અરાશાં રસને ૬-૧, ૬-૨થી તથા ભૂતપૂર્વ ચેમ્પિયન અને ૧૪મી ક્રમાંકિત એના ઇવાનોવિચે ક્રોએશિયાની પેટ્રા માર્ટિનેઝને ૬-૧, ૩-૬, ૬-૩થી હરાવી હતી.

રોજર ફેડરરે સ્પેનના પાબ્લો કારેનો-બુસ્ટાને એક કલાક અને ૨૦ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૨, ૬-૨, ૬-૩થી પરાજય આપ્યો હતો. ૧૯મી ક્રમાંકિત રશિયાની એનેસ્તેશિયા પાવલ્યુચેન્કોએ ચેક રિપબ્લિકની આિન્દ્રયા લાવકોવાને ૪-૬, ૭-૬, ૬-૪થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. મિલોસ રાઓનિકે તથા કેવિન એન્ડરસને પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

ભારે સંઘર્ષ બાદ સોમદેવનો વિજય ભારતના અનુભવી ખેલાડી સોમદેવ દેવવર્મને પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ડી.મુનોઝ-ડી નાવાને ૬-૩, ૬-૩, ૭-૫થી હરાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટના મેન્સ સિંગલ્સમાં પોતાના અભિયાનની સંગીન શરૂઆત કરી હતી. ત્રીજા સેટમાં ભારે સંઘર્ષ કર્યા બાદ સોમદેવે બે કલાક અને ૩૯ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો. સોમદેવે ત્રણ ડબલ ફોલ્ટ કરવા ઉપરાંત ૨૬ વિનર્સ ફટકાર્યા હતા નાવાએ બે ડબલ ફોલ્ટ તથા ૪૦ વિનર્સ ફટકાર્યા હતા.