ફ્લેચર મજબૂત વ્યક્તિ છે : શાસ્ત્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રવિ શાસ્ત્રી)

-ભરપૂર પ્રશંસા : પિતા સમાન ફ્લેચર ઘણી બાબતોની કાળજી લે છે

લંડન: રવિ શાસ્ત્રીનો રિપોર્ટ ભારતીય કોચ તરીકે ડંકન ફ્લેચરના ભવિષ્યનો ભલે નિર્ણય કરે પરંતુ ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ટીમના ડાયરેક્ટર રહેલા આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે ટીકાઓનો સામનો કરી રહેલા ઝિમ્બાબ્વેના આ ભૂતપૂર્વ સુકાનીનું ભરપૂર સમર્થન કરીને તેમને મજબૂત વ્યક્તિત્વવાળી વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. શાસ્ત્રીએ ફ્લેચરની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે તેઓ શાનદાર વ્યક્તિ છે અને તેમની પાસે કોચ તરીકે 100 કરતા પણ વધારે ટેસ્ટનો અનુભવ છે જે ઘણો મોટો અનુભવ કહી શકાય. તેઓ ટેકનિકલ તરીકે પણ ઘણા કુશળ છે અને મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. તેમનો ઘણો આદર કરવામાં આવી રહ્યો છે અને ટીમમાં તેઓ પિતા તરીકેનું સન્માન હાંસલ કરી ચૂક્યા છે.

શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું ફ્લેચરને 1983ના વર્લ્ડ કપથી જાણું છું. ત્યારબાદ 1984માં હું ભારતની અંડર-25 ટીમનો સુકાની બનીને ઝિમ્બાબ્વે ગયો હતો ત્યાં તેઓ મારા હરીફ સુકાની હતા. તેથી તેમની નેતૃત્વ ક્ષમતાથી હું ઘણો પરિચિત છું. ત્યારબાદ સંજય બાંગર, ભરત અરુણ તથા આર. શ્રીધરના સહાયક કોચ હોવાના કારણે તેમનું કામ વધારે આસાન બની ગયું હતું. ફ્લેચર કોચ છે અને તેઓ નાનામાંનાની બાબતોની કાળજી લે છે. મારો અનુભવ બહારથી ઉપયોગી બન્યો હતો.
સત્યતા એ છે કે મેં ખેલાડીઓને નજીકથી રમતા નિહાળ્યા છે જેના કારણે પણ મને મદદ મળી હતી. મારું વ્યક્તિત્વ એવા પ્રકારનું છે કે જો મને લાગે કે મારે કશું કહેવું છે તો હું ચૂપ રહેતો નથી, પછી સામે કોણ છે તેની હું પરવા કરતો નથી. વન-ડે શ્રેણીમાં મેં ધારી હતી તે કરતાં વધારે સફળતા મળી હતી. ટેસ્ટ શ્રેણીમાં પરાસ્ત થયા બાદ ટીમનો ડ્રેસિંગરૂમ હતાશ હતો પરંતુ મેં તેમને માનસિક રીતે સજ્જ કર્યા હતા તેમ જણાવીને શાસ્ત્રીએ ઉમેર્યુ હતું કે વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતાં મને મારી ભૂમિકા પર ગૌરવ થયું હતું.