બર્મિંગહામ: ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીનને 4-6, 6-3, 6-2થી હરાવીને એગોન ક્લાસિક ડબ્લ્યૂટીએ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. જોકે ક્વિટોવા પેટના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે ઇસ્ટબોર્ન ખાતે રમાનારી એગોન ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઇ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં હથિયારધારી ચોર સામે લડત આપવાના કારણે ઘાયલ થયા બાદ ક્વિટોવાની આ બીજી ટૂર્નામેન્ટ છે. ક્વિટોવા 2011 તથા 2014માં ગ્રાસ કોર્ટ પર રમાતા વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે.
ક્રેબર નંબર-1 સ્થાને યથાવત્
મેડ્રિડ: જર્મન ખેલાડી એન્જલિક ક્રેબર 6,965 પોઇન્ટ સાથે ડબ્લ્યૂટીએ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે યથાવત્ રહી હતી. ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકી બે ક્રમાંકની આગેકૂચ કરીને છઠ્ઠા ક્રમે પહોંચી ગઇ છે. ચાલુ વર્ષના અંત ભાગમાં બાળકને જન્મ આપનાર સેરેના વિલિયમ્સ ચોથા ક્રમે છે. રોમાનિયાની સિમોના હાલેપ બીજા તથા ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવા ત્રીજા ક્રમે છે. સ્લોવાકિયાની ડોમિનિકા સિબુલકોવા ત્રણ ક્રમાંકની પીછેહઠ કરીને નવમા ક્રમે પહોંચી ગઇ છે.
ફાઇનલમાં એશ્લે બાર્ટીને 4-6, 6-3, 6-2થી હરાવી