પેસ-સ્ટેપનેક સામે કપરાં ચઢાણ, સાનિયા-બ્લેકનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસ તથા સાનિયા મિર્જાએ પોતપોતાના સાથીદારો સામે સીધા સેટમાં વિજય હાંસલ કરીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પેસ અને ચેક રિપબ્લિકના રાડેક સ્ટેપનેકની ચોથી ક્રમાંકિત જોડીએ મેન્સ ડબલ્સમાં ઇઝરાયેલના જોનાથાન ઇલરિચ તથા ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટને ૬-૩, ૭-પથી પરાજય આપ્યો હતો.

તેમનો આગામી મુકાબલો રોજર ફેડરર તથા સ્તેનિસ્લાસ વાવરિંકાની સ્વિસ જોડી સામે થશે. આ જોડીએ લેટવિયાના અર્નેસ્ટ ગુલબિસ તથા કેનેડાના મિલોસ રાઓનિકને ભારે રસાકસી બાદ ૭-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો. સાનિયા તથા ઝિમ્બાબ્વેની કારા બ્લેકે વિમેન્સ ડબલ્સમાં અમેરિકાની રેચલ કોવ્સ જોન્સ તથા એબીગેલ સ્પિયર્સની જોડીને ૬-૩, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

પાંચમો ક્રમાંક ધરાવતી સાનિયા તથા બ્લેકને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે રશિયાની બીજી ક્રમાંકિત એક્ટરિના માકારોવા તથા ઇલેના વેસનિનાની કપરા પડકારનો સામનો કરવો પડશે. માકારોવા તથા વેસનિનાએ જુલિયા જ્ર્યોજ તથા એન્ના લેના ગ્રીનફિલ્ડની જર્મન જોડીને ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો.