કોરિયાને 2-1થી હરાવ્યું, ન્યૂઝીલેન્ડને 4-2થી હરાવીને ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝમેડલ જીત્યો
એન્ટવર્પ: વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન હોલેન્ડે મહિલાઓની એફઆઈએચ વર્લ્ડ લીગ સેમિફાઇનલ્સનું ટાઈટલ જીતી લીધું હતું. તેણે રવિવારે ફાઈનલમાં એશિયન ગેમ્સ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 2-1થી પરાજય આપ્યો. કેએચસી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ અત્યંત રોમાંચક રહી હતી. બન્ને ટીમોએ આક્રમક રમત બતાવી. પરંતુ મહત્ત્વના તબક્કે તક ચૂકતી રહી હતી. પહેલા બે ક્વાર્ટર ગોલરહિત રહ્યા હતા. કોરિયાએ 34 મી મિનિટમાં જોયસ સોમબ્રોએકના ગોલથી લીડ મેળવી. જોકે કાઈયા વાન માસ્કેરે 10 મિનિટ બાદ જ ડચ ટીમને બરોબરી અપાવી હતી. પછીની 12 મિનિટ બન્ને ટીમો ગોલ ન કરી શકી. હૂટર વાગવાની ત્રણ મિનિટ પહેલા ડચ ખેલાડી હૂગે ગોલ કરીને મેચ પોતાની ટીમ તરફે બનાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું : વર્લ્ડ કપની રનર્સ અપ ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે ત્રીજા સ્થાનના મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 4-2થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની એમિલી સ્મિથે કહ્યું કે હોલેન્ડથી હાર્યા બાદ અમે પોતાને પુરવાર કરવાનું મન મનાવી લીધું હતું. અમે જાણતા હતા કે રિયોથી પહેલા અમારે ઘણી મહેનત કરવાની જરૂર છે.