ફ્રેન્ચ ઓપન માટે નાદાલ, સેરેના ફેવરિટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્લે ર્કોટના'લાલ બાદશાહ’ નાદાલને હરાવવો અન્ય માટે મોટા પડકાર સમાન

મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીતીને સ્પેનના રફેલ નાદાલ તથા અમેરિકાની સેરેના વિલિયમ્સે આગામી સમયમાં રમાનારા ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ માટે પોતે ફેવરિટ તરીકે રમશે તેવો વિશ્વના અન્ય સ્ટાર ખેલાડીઓને સંકેત આપી દીધો છે.

ઇજાના કારણે સાત મહિ‌ના સુધી ર્કોટથી દૂર રહેલા નાદાલે સાત ટૂર્નામેન્ટમાં પાંચ ટાઇટલ જીત્યા છે અને તેણે રવિવારે સ્પેનની રાજધાનીમાં રમાયેલી મેડ્રિડ ઓપનની ફાઇનલમાં સ્તેનિસ્લાસ વાવરિંકાને લગભગ એક કલાકમાં ૬-૨, ૬-૪થી પરાજય આપીને ટાઇટલ જીતી લીધું હતું.

કારકિર્દીમાં ૨૩ માસ્ટર્સ ટાઇટલ પોતાના નામે કરી ચૂકેલા નાદાલે જણાવ્યું હતું કે ઇજા બાદ મેં કેટલાક ચોક્કસ લક્ષ્યાંક નક્કી કર્યા હતા જેને હું મેડ્રિડ ઓપન દરમિયાન હાંસલ કરી શક્યો છું. મોન્ટે કાર્લો તથા બાર્સેલોના ઓપનમાં હું જે રમત દાખવી શક્યો નહોતો તેને મેડ્રિડમાં રમી શક્યો હતો. જોકે વિશ્વના પાંચમા ક્રમાંકિત સ્પેનિસ ખેલાડીએ પોતાને રોલેન્ડ ગરોસ ખાતે રમાનારા ફ્રેન્ચ ઓપન માટે દાવેદાર ગણવાનો ઇનકાર કર્યો હતો.

આઠમી વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવાનો લક્ષ્યાંક ધરાવતા નાદાલે ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે હું રોમ જઇને ત્યાંની એટીપી ટૂર્નામેન્ટ અંગે વિચારીશ. હાલમાં હું અત્યારે બે સપ્તાહ બાદ રમાનારા ગ્રાન્ડસ્લેમ અંગે કશું વિચારતો નથી.

રેડ ક્લે ર્કોટ પર રોલેન્ડ ગરોસનો બીજો ગ્રાન્ડસ્લેમ જીતવાનો ઇરાદો ધરાવતી સેરેનાએ જણાવ્યું હતું કે મેડ્રિડ ઓપનનો રેડ ક્લે ર્કોટ રોલેન્ડ ગરોસ જેવો જ છે જેના કારણે હું ગ્રાન્ડસ્લેમની મારી તૈયારીને અંતિમ ઓપ આપી શકી છું. નોંધનીય છે કે ગયા વર્ષે સેરેના ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. સેરેનાએ ઉમેર્યું હતું કે ગયા વર્ષની ભરપાઇ કરી આપવાનો મારી સામે મોટો પડકાર છે.