મેસા ગ્રાન્ડ પ્રિક્સ: ફેલ્પ્સનું સ્વિમિંગ પૂલમાં પુનરાગમન, બીજા ક્રમે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોશ્ચેટ પ૧.૯૩ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને, ફેલ્પ્સે પ૨.૧૩ સેકન્ડમાં રેસ પૂરી કરી

ઓલિમ્પિક સુપર સ્ટાર સ્વિમર માઇકલ ફેલ્પ્સે ૨૦ મહિ‌નાના લાંબા ગાળા બાદ પોતાની પ્રથમ ફાઇનલમાં બીજા ક્રમ સાથે સંતોષ માન્યો હતો પરંતુ આ મહાન સ્વિમરે દર્શાવી આપ્યું છે કે તે નિવૃત્તિ બાદ પુનરાગમન માટે ઘણો ગંભીર છે. ફેલ્પ્સના નામે ૧૮ ગોલ્ડમેડલ સહિ‌ત વિક્રમી ૨૨ ઓલિમ્પિક મેડલ છે. લંડન ઓલિમ્પિક્સ બાદ તેણે સ્વિમિંગને અલવિદા કરી હતી. તેને મેસા ગ્રાન્ડ પ્રિક્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટર ફ્લાયની ફાઇનલમાં પોતાના પરંપરાગત હરીફ રેયાન લોશ્ચેટે હરાવ્યો હતો.

લોશ્ચેટ પ૦ મીટર સુધી આગળ હતો અને ત્યાર બાદ સરસાઇ જાળવી રાખીને પ૧.૯૩ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ચાલુ વર્ષે આ તેનો બીજો સર્વશ્રેષ્ઠ સમય છે. ફેલ્પ્સ પ૧.૧૩ સેકન્ડના સમય સાથે બીજા ક્રમે હતો અને જે રીતે તેણે પુનરાગમન કર્યું છે તે તેને ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક સુધી પહોંચાડી શકે છે.

જોકે ફેલ્પ્સે જણાવ્યું હતું કે પોતાનું આ પુનરાગમન રિયો ગેમ્સ સુધી લઇ જશે કે નહીં તે અંગે પોતે નિ‌શ્ચિ‌ત નથી. અમેરિકન સ્વિમર લંડન ઓલિમ્પિક બાદ પ્રથમ વખત રેસમાં ભાગ લઇ રહ્યો હતો પરંતુ તેણે તાજેતરમાં ૧૪મી એપ્રિલે જાહેરાત કરી હતી કે તે નિવૃત્તિમાંથી બહાર આવીને પુનરાગમન કરશે. તેની જાહેરાત બાદ ગ્રાન્ડ પ્રિક્સની તમામ ટિકિટ વેચાઇ ગઇ હતી.