મેસ્સીનો બીજો સર્વાધિક ગોલનો રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોસિયા: લા લીગા ચેમ્પિયનશિપમાં સર્વાધિક ગોલ કરનાર ખેલાડી બનવાની સિદ્ધિ મેળવ્યાના ચાર દિવસની અંદર સ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ સ્પર્ધામાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. તેણે એપીએલ નિકોસિયા સોમ ટૂર્નામેન્ટમાં પોતાનો 72મો ગોલ નોંધાવ્યો હતો. બાર્સેલોનાની કેપ્ટનશિપ કરી રહેલા મેસ્સીએ 37મી મિનિટે ટીમ માટે બીજો ગોલ નોંધાવ્યો હતો. જોકે આ પહેલાં લુઇસ સુઆરેઝે ટીમ માટે પ્રથમ ગોલ કરીને 1-0ની સરસાઇ અપાવી હતી.

મેસ્સીએ રાઉલનો રેકોર્ડ તોડ્યો હતો જેણે રિયલ મેડ્રિડ માટે 142 મેચમાં 71 ગોલ નોંધાવ્યા હતા. શાલ્કે તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ ચેમ્પિયનશિપમાં પોતાની ગોલની સંખ્યા 70-70 સુધી પહોંચાડી દીધી હતી. મેસ્સીએ રાઉલ કરતાં 51 મેચ ઓછી રમીને આ સર્વાધિક ગોલનો વિક્રમ નોંધાવ્યો હતો. તેણે ગયા સપ્તાહે ટેલ્મો જારાના 251 લા લીગા ગોલનો 59 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ મેચમાં તેણે હેટ્રિક નોંધાવીને બાર્સેલોનાને સેવિલા સામે 5-1થી વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. મેસ્સી હવે 289 મેચમાં બાર્સેલોના માટે 253 ગોલ કરી ચૂક્યો છે.

મેસ્સીએ કેટલાન જાયન્ટ્સ સાથે 10 વર્ષ પૂરા કર્યા છે અને આ ગાળા દરમિયાન તેણે 21 ટ્રોફી હાંસલ કરી છે. જોકે મેસ્સીએ પોતાની જૂની ક્લબ સાથેનો નાતો પોતે આગામી મે મહિનામાં તોડી રહ્યો છે તેવા સંકેત આપ્યા છે. આર્જેન્ટિનાના સ્ટારે જણાવ્યું હતું કે ફૂટબોલની રમત અણધારી તથા નાટકીય રમત છે પરંતુ કેટલીક વખત તમને તમારું ધારેલી બાબતો મળતી નથી.