જ્વાલા-પોનપ્પાની જોડી બીજા રાઉન્ડમાં, સિધૂ હારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયન ઓપન: મિક્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા તથા પ્રણયની જોડી હારી

સિડની:
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખતની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતની પીવી સિધૂ અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા પી. કશ્યપ બુધવારે પોતપોતાના મુકાબલા હારી ગયા હતા. આ પરાજય સાથે તેઓ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયા હતા. ચોથા ક્રમાંકિત શ્રીકાંતે વિજય હાંસલ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.દરમિયાનમાં સાઇના નેહવાલે મલેશિયાની ચીહ લિડીયા યિ યુવે 32 મિનિટમાં 21-12, 21-10થી પરાજય આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી.
શ્રીકાંતે 14મો ક્રમાંક ધરાવતા ડેનમાર્કના ક્રિસ્ટિયન વિટિંગ્સને 53 મિનિટમાં 14-21, 21-8, 22-20થી હરાવ્યો હતો. સિધૂને વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં આઠમી ક્રમાંકિત ચીનની વાંગ યિહાન સામેના પડકારનો સામનો કરવો પડ્યો હતો જેને તે પાર પાડી શકી નહોતી. એક કલાક 12 મિનિટ સંઘર્ષ કર્યા બાદ તેનો 21-18, 15-21, 23-25થી પરાજય થયો હતો. ભારતનો પી. કશ્યપ વાંગ ઝેનમિંગ સામે 26-24, 18-21, 20-22થી હાર્યો હતો.
જ્વાલા -પોનપ્પા જીતી: વિમેન્સ ડબલ્સમાં જ્વાલા ગટ્ટા તથા અશ્વિની પોનપ્પાએ નેધરલેન્ડ્સની સમાન્થા બાર્નિંગ તથા ઇન્સ ટેબલિંગની જોડીને સતત ગેમમાં 21-13, 21-13થી 29 મિનિટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
પ્રણવ-પોનપ્પાની જોડી હારી : ક્વોલિફિકેશન રાઉન્ડમાં વિજય મેળવીને મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનાર ભારતના પ્રણવ ચોપરા તથા અશ્વિની પોનપ્પાની જોડીના મિક્સ ડબલ્સના અભિયાન પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. પ્રણવ ચોપરા અને અશ્વિની પોનપ્પાની જોડીને કોરિયાની ચોઇ સોગલિન તથા ઇયોમ યી વનની જોડી સામે 35 મિનિટમાં 21-19, 21-14થી પરાજય થયો હતો.