IPL સ્પોટ ફિક્સિંગ: શ્રીસંત સહિતના ક્રિકેટરોને મોટી રાહત, કોર્ટે છોડી મુક્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્પોટ ફિક્સિંગ : કોર્ટની નજરે શ્રી પણ 'સંત', તમામ 36 આરોપીઓને છોડી મૂકાયા
- દિલ્હી પોલીસ આરોપ સાબિત કરી શકી નહીં : શ્રીસંત, ચંદીલા, ચૌહાણ સહિત તમામ 36 આરોપીઓને છોડી મૂકાયા

નવી દિલ્હી: આઈપીએલમાં ક્રિકેટ ખેલાડીઓ ઉપર લાગેલું કલંક ભૂંસાઈ ગયું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચંદિલા સહિત તમામ 36 આરોપીને સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાખોરીના આરોપમાં નિર્દોષ છોડ્યા છે. ચુકાદો સાંભળીને શ્રીસંત તો કોર્ટમાં જ રોઈ પડ્યો હતો. અન્ય બે ક્રિકેટરો પણ પોતાના આંસુ નહોતા રોકી શક્યા.

દિલ્હી પોલીસે 2013માં આઈપીએલ 6 ટૂર્નામેન્ટ દરમિયાન સટ્ટાખોરીનો પર્દાફાશ કરતા રાજસ્થાન રોયલ્સના ત્રણ ક્રિકેટરો શ્રીસંત, ચંદિલા અને ચવ્હાણની ધરપકડ કરી હતી. પરંતુ શરૂઆતથી જ તે સબળ પુરાવાઓ રજૂ નહોતી કરી શકી. કોર્ટે તો દિલ્હી પોલીસની મેચ ફિક્સિંગ થિયરી અંગે પણ સવાલો ઊઠાવ્યો હતો.

પોલીસે આરોપીઓ ઉપર છેતરપિંડી, કાવતરું અને મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા)ની કલમો અંતર્ગત કેસ કર્યો હતો. પરંતુ સબળ પુરાવા ન હોવાને કારણે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. અને હવે આરોપો ઘડવાની ના પાડીને તેમને નિર્દોષ છોડી દીધા છે. એડિશનલ સેશન્સ જજ નીના બંસલ કૃષ્ણાએ 23 મેના રોજ આરોપો ઘડવાનો ચુકાદો અનામત રાખ્યો હતો. શનિવારે ચુકાદો આવવાનો હતો. પરંતુ જજે જણાવ્યું હતું કે તમામને આ કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.
દાવો : 2013માં આવી રીતે ફિક્સિંગ થયું
5 મે : રોયલ્સ પુણે
ચંદીલાએ ટી-શર્ટ બહાર રાખવાનું ભૂલી ગયો. સોદો 40 લાખમાં.
9 મે : રોયલ્સ પંજાબ
શ્રીસંતે બીજી ઓવર રૂમાલને ટ્રાઉઝરમાં નાખીને ફેંક્યો.
15 મે : રોયલ્સ મુંબઇ
ચૌહાણે બીજી ઓવર પહેલા કાંડા પર બાંધેલો બેંડ ઘુમાવ્યો.
હાલમાં ક્રિકેટરો પરથી પ્રતિબંધ નહીં હટે
ક્રિકેટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પ્રતિબંધ હટશે નહીં. પ્રતિબંધનો નિર્ણય શિસ્ત સમિતિનો હતો. તેને કોઈ કોર્ટમાં ચાલી રહેલા ગુનાહિત કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

દાઉદ અને છોટા શકીલ સહિત 6 ભાગેડુ જાહેર

દિલ્હી પોલીસે ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેનો સહયોગી છોટા શકીલ ભારતમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાખોરીનું રેકેટ ચલાવી રહ્યા છે. ત્યાર બાદ કોર્ટે બંને સાથે તેના સાથીઓ જાવેદ ચુટાની, સલમાન ઉર્ફે માસ્ટર અને અહતેશમ સહિત ચાર આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું. કોર્ટમાં હાજર નહીં થતાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટે કેમ છોડી મુક્યા?
કોર્ટે શનિવારે આ ક્રિકેટરો સામે આરોપો નક્કી કરવાના હતા. 2.30 કલાકે પ્રોસિક્યૂશને જજ પાસે વધારે સાબિતી રજુ કરવાનો સમય માંગ્યો હતો. જ્યારે ચાર વાગ્યે ફરી કાર્યવાહી શરુ થઈ તો કોર્ટ પ્રોસિક્યૂશનની દલીલોથી સંતુષ્ટ થયો ન હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રોસિક્યૂશને ક્રિકેટરો ઉપર આઈપીસીની ધારા 120 એટલે કે ક્રિમિનલ કોન્સ્પિરસી પ્રમાણે, આરોપ નક્કી કરવા ઉપર ભાર આપ્યો ન હતો, પણ 420 પ્રમાણે આરોપ નક્કી કરવાની માંગણી કરતા હતા. કોર્ટે ક્રિકેટરોને એ માટે પણ નિર્દોષ છોડી મુક્યા કે તેમની સામે circumstantial સાબિતી (સાંયોગિક સાબિતી) ન હતી. તેમની સામે મકોકા જેવી કલમો લગાવવાની વાત થતી હતી ત્યારે તેમની પાસે પૂરતા પુરાવા હોવા જરુરી છે.
નિર્ણય સાંભળતા જ રડી પડ્યો શ્રીસંત
શ્રીસંત કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ ભાવુક બનીને રડી પડ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં શ્રીસંતે કહ્યું હતું કે, ‘‘મને વિશ્વાસ હતો કે જ્યારે મે કાઈ કર્યું જ ન હતું તો એઅકના એક દિવસ નિર્દોષ છૂટવાનું જ છે. હવે હું મારી નોર્મલ લાઇફ જીવીશ. ’’ અજીત ચંદિલાએ જણાવ્યું હતું કે, ‘‘આનાથી મોટી રાહત મારા માટે બીજી હોઈ શકે નહીં. આ એક ખરાબ સપનું હતું જે ખતમ થઈ ગયું છે.’’
આગળ શું?
1. શ્રીસંત, ચંદિલા અને ચવ્હાણ પોતાના પ્રતિબંધ સામે બીસીસીઆઈમાં અપીલ કરી શકશે.
2. પ્રોસિક્યૂશન અપર કોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરી શકે છે.
3. દિલ્હી પોલીસે કોર્ટમાં અરજી આપીને કહ્યું છે કે અમે ફરી કેસની તપાસ કરવા માંગીએ છીએ. જો પોલીસને મંજુરી મળશે તો કેસ ફરી ખોલાશે.
જામીન પર હતા ક્રિકેટર્સ
આ પહેલા ત્રણેય આરોપી ક્રિકેટરને પૂરાવાના અભાવે જામીન મળી ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલે કુલ 42 લોકોને આરોપી બનાવ્યા હતા. તમને જણાવી દઇએ કે પોલીસે આ મામલે વિભિન્ન આરોપીઓ વિરુદ્ધ છ હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરી હતી. અદાલતમાં પોલીસની તપાસ પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠ્યા હતા. કોર્ટે કહ્યું હતુ કે પ્રથમ નજરે કોઇ પૂરાવા જોવા મળી રહ્યાં નથી કે જે થકી કહીં શકાય કે આરોપીઓએ મેચ ફિક્સ કરી હતી. આરોપ નક્કી કરવાને લઇને થયેલી ઝાટકણી દરમિયાનન પોલીસે આરોપીઓને મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીમાં સામેલ હોવાના પોતાના દાવાને મજબૂત કરવા માટે આરોપીઓ વચ્ચે ટેલિફોન પર વાતચીતનો રેફરન્સ આપ્યો હતો.
જાણી જોઇને એક ઓવરમાં 14 રન આપવાનો હતો આરોપ
આઇપીએલ-6માં શ્રીસંત અને અન્ય ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. 9 મે, 2013ના રોજ પંજાબ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાનના ખેલાડી શ્રીસંથ પર પૂર્વ નિયોજીત રીતે એક ઓવરમાં 14 રન આપવાનો આરોપ હતો.
Related Placeholder
પોલીસે કહ્યું હતું કે 40 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઇ હતી
પોલીસનું કહેવું હતું કે શ્રીસંથે સ્પોટ ફિક્સિંગ માટે રૂમાલનો ઉપયોગ કોડ તરીકે કર્યો હતો. દિલ્હી પોલીસે તત્કાલીન આયુક્ત નીરજ કુમારે પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શૉન ટેટ પણ સ્પોટ ફિક્સિંગના તાજા સ્કેન્ડલમાં સામેલ હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનો માસ્ટરમાઇન્ડ દેશની બહાર બેઠો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે એક ઓવરની ફિક્સિંગ માટે 40 લાખ રૂપિયાની ડીલ થઇ હતી. પોલીસ અનુસાર, પાંચ, નવ અને 15 મે, 2013ની મેચમાં ફિક્સિંગ થવાની હતી, પરંતુ 5 મેની મેચમાં ચંડીલા સિગ્નલ આપવાનું ભૂલી ગયો હતો. જેના કારણે તેણે 20 લાખ રૂપિયા બૂકીને પરત કરવા પડ્યા હતા. શ્રીસંથની 2013માં 16 મેના રોજ સ્પોટ ફિક્સિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. એક મહિના બાદ તે જામીન પર છૂટી ગયો હતો, પરંતુ બીસીસીઆઇએ તેના પર આજીવન પ્રતિબંધ લાદી દીધો.
આગળની સ્લાઇડ્સમાં વાચો: જ્યારે પકડાઇ ગયો હતો ત્યારે શ્રીસંથે પોલીસને કઇ સ્ટોરી સંભળાવી હતી, કોર્ટના નિર્ણય પછી ભાવુક બનીને રડી પડેલા શ્રીસંત અને ઘટના સંબંધિત તસવીરો...