ભારતની ચિંતા સેહવાગની ફિટનેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની સુપર-આઠ રાઉન્ડની મેચ અગાઉ ભારતની બે મુખ્ય ચિંતા છે ઓપનર વીરેન્દ્ર સેહવાગની ફિટનેસ અને યોગ્ય બોલિંગ લાઇનઅપ. સેહવાગ આંગળીની ઇજાને કારણે પરેશાન છે. ઇંગ્લેન્ડ સામેની લીગ મેચ અગાઉ નેટ્સમાં બેટિંગ કરતી વખતે સેહવાગની આંગળીએ ઇજા થઈ હતી અને એ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંગળવારે ભારતીય ટીમે ત્રણ કલાક પ્રેક્ટિસ કરી એ સમયે પણ સેહવાગ બેટિંગ કરી શક્યો ન હતો. સેહવાગ વિશે સત્તાવાર રીતે કાંઈ જાહેર કરાયું નથી પરંતુ મંગળવારની પ્રેક્ટિસ દરમિયાન સેહવાગની રાહ જોવાતી હતી ત્યારે ઇરફાન પઠાણ પેડ બાંધીને બેટિંગ માટે સજ્જ થઈ ગયો હતો. રવિવારે ઇંગ્લેન્ડ સામે ઇરફાન પઠાણે જ ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. જોકે ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે સેહવાગ ફિટ છે અને ઓસ્ટ્રેલિયા સામેની અગત્યની મેચ અગાઉ તેની ઇજા વકરે નહીં તે માટે તેને મંગળવારે બેટિંગથી દૂર રખાયો હતો. ભારત માટે અન્ય ચિંતાનો વિષય બોલિંગ છે. ઇંગ્લેન્ડ સામે પાંચ બોલરની નીતિએ ભારતને ૯૦ રનથી શાનદાર વિજય અપાવ્યો હતો પરંતુ ધોની સાત બેટ્સમેનની નીતિ પસંદ કરે છે અને કદાચ ઓસ્ટ્રેલિયા સામે પણ સાત બેટ્સમેનને ટીમમાં સામેલ કરે તેવી શક્યતા રહેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૮મીએ સુપર-૮ રાઉન્ડની મેચ રમાશે અને તેમાં ઓફસ્પિનર હરભજનસિંઘનું સ્થાન નિ‌શ્ચિ‌ત છે. ઇંગ્લેન્ડ સામે તેણે ચાર વિકેટ લીધી હતી એ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે હરભજન હંમેશાં સફળ રહ્યો છે. અશોક ડિન્ડાને સ્થાને અશ્વિન પણ પુનરાગમન કરશે તે નક્કી છે પરંતુ ઝહિ‌ર ખાન પરત ફરશે કે કેમ તે મોટો સવાલ છે. ઝહિ‌ર તાજેતરમાં ફોર્મમાં નથી અને તેને સમાવવો કે નહીં તે ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતાનો વિષય છે. ઝહિ‌ર ખાન ટીમમાં પાછો ફરશે તો બાલાજીનો ભોગ લેવાશે, કેમ કે અન્ય બોલર ઇરફાન પઠાણ તેની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતાને કારણે ટીમમાં ટકી રહેશે.