મિતાલીની અણનમ પારી, પ્રથમ ટી૨૦ ભારતનો વિજય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રથમ ટી૨૦& ભારતીય વિમેન્સ ટીમે બાંગ્લાદેશને ૧૬ રનથી હરાવી, નાયડુ પ્લેયર ઓફ ધ મેચ, પૂનમ રાઉત ૪૨*

સુકાની મિતાલી રાજની ધૈર્યપૂર્ણ અડધી સદી બાદ પ્લેયર ઓફ ધ મેચ બનેલી શ્રાવંતી નાયડુની શાનદાર બોલિંગની મદદથી ભારતીય વિમેન્સ ટીમે અહીં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં યજમાન બાંગ્લાદેશને ૧૬ રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી લીધી હતી.આઇસીસી ટ્વેન્ટી૨૦ વિમેન્સ વર્લ્ડ કપની પૂર્વતૈયારીરૂપે આ શ્રેણીમાં રમી રહેલી ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિધૉરિત ૨૦ ઓવરમાં એક વિકેટે ૧૦૧ રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રાવંતીએ નવ રન આપીને ચાર વિકેટ ખેરવતા પ્રવાસી ટીમે બાંગ્લાદેશને ૮૫ રનના સ્કોરે ઓલઆઉટ કરી નાખ્યું હતું.

બેટિંગ માટે આસાની જણાતી પિચ પર ઇનિંગ્સનો પ્રારંભ કરનાર મિતાલીએ અણનમ ૫૫ રનની ઇનિંગ્સ રમી હતી. અન્ય ઓપનર લતિકા કુમારી ૧૦ બોલનો સામનો કરીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ મિતાલી તથા પૂનમ રાઉતે બીજી વિકેટ માટે ૯૮ રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. મિતાલીએ ૬૪ બોલની ઇનિંગ્સમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. રાઉતે ૪૬ બોલમાં બે બાઉન્ડ્રી વડે ૪૨ રન બનાવ્યા હતા. ભારતે આપેલા આસાન લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ એક સમયે ૧૬ ઓવરમાં ચાર વિકેટે ૭૨ રનના સ્કોર સુધી પહોંચી ગઇ હતી પરંતુ અંતિમ ચાર ઓવરમાં ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં તેણે વિકેટો ગુમાવી દીધી હતી.