મૈનહૈમ (અમેરિકા): ઓગસ્ટમાં યોજાનારી રિયો ઓલિમ્પિક્સ માટેની તૈયારી માટે અમેરિકાના પ્રવાસે ગયેલી ભારતીય વિમેન્સ હોકી ટીમે અહીં ગુરુવારે રમાયેલી બીજી મેચમાં યજમાન ટીમને 2-1થી હરાવીને શ્રેણી 1-1થી સરભર કરી હતી. પ્રથમ મેચમાં ભારતને અમેરિકા સામે 3-2ના સ્કોરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જિલ વિટમરે 19મી મિનિટે ગોલ કરીને અમેરિકાને 1-0થી આગળ કરી દીધું હતું પરંતુ ભારતની પ્રીતિ દુબેએ 45મી તથા લિલિમા મિંજે 55મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી વિજય અપાવ્યો હતો.
પ્રથમ ક્વાર્ટર ગોલવિહોણો
પ્રથમ ક્વાર્ટરમાં કોઇ ટીમ ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં અમેરિકાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેને જિલે ગોલમાં ફેરવવામાં કોઇ ભૂલ કરી નહોતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે આક્રમક રમત દાખવી હતી અને અમેરિકન ડિફેન્સ હરોળ પર વારંવાર આક્રમણ કર્યું હતું. ભારતને ત્રીજા હાફમાં પેનલ્ટી કોર્નર મળતા પ્રીતિએ ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો.
લિલિમાનો વિજયી ગોલ
મુકાબલાના એક ક્વાર્ટરની રમત બાકી હતી અને બંને ટીમ પાસે વિજયની તક હતી પરંતુ ભારતીય ટીમે અણીના સમયે તકનો ફાયદો ઉઠાવ્યો હતો. મેચ પૂરી થવામાં પાંચ મિનિટનો સમય બાકી હતી ત્યારે ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. 55મી મિનિટે લિલિમાએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને ભારતને 2-1થી વિજય અપાવી દીધો હતો.