નવી દિલ્હી : ભારતીય હોકીના દિગ્ગજ તથા વિશ્વભરમાં પોતાના ડ્રિબ્લિંગના કારણે જાણતા બનેલા મોહમ્મદ શાહિદનું બીમારી બાદ ગુડગાંવ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું હતું. શાહિદના પુત્ર સૈફે જણાવ્યું હતું કે બુધવારે સવારે 10:45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 56 વર્ષીય શાહિદને મેદાંતા મેડિસિટીમાં ચાલુ મહિનાની શરૂઆતમાં કમળો તથા ડેન્ગ્યૂ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વારાણસી લઇ જવામાં આવશે જ્યાં ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે. શાહિદે 1980,1984, 1988ની ઓલમ્પિકમાં ભારતીય ટીમને રિપ્રેઝન્ટ કરી હતી. મોહમ્મદ સાહિદ ડ્રિબલિંગમાં એક્સપર્ટાઇઝ માટે જાણીતા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી.
હોકી જગતે શ્રદ્ધાંજલિ અર્પી, પદ્મશ્રી-અર્જુન એવોર્ડી હતા
પોતાના ડ્રિબ્લિંગ કૌશલ માટે મશહૂર રહેલા શાહિદ ભારતના મહાન ખેલાડીઓમાં સામેલ હતા. તેઓ 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા. તેઓ દિલ્હી એશિયન ગેમ્સ 1982ની સિલ્વર મેડલ વિજેતા તથા 1986ની સિઓલ એશિયાડમાં બ્રોન્ઝ જીતનાર ટીમના સભ્ય હતા. તેમને 1980-81માં અર્જુન તથા 1986માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
આવો છે શાહિદનો રેકોર્ડ
- શાહિદને હોકીમાં તેની કોન્ટ્રિબ્યુશન માટે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રીથી સન્માનવામાં આવ્યો હતો.
- તેની દીકરી હિના અને ફેમિલી મેમ્બર્સ તેની સાથે જ હતા.
- મહત્વપૂર્ણ છે કે ગત મહિને તેને બીએચયુથી ગુડગાંવ રેફર કરવામાં આવ્યા હતા.
- શાહિદ મૂળતઃ યુપીના બનારસનો રહેવાસી છે.
એવોર્ડ
- ચેમ્પિયન્સ ટ્રોફી- 1980: બેસ્ટ ફોરવર્ડ
- મોસ્કો ઓલમ્પિક ગેમ્સ- 1980: ગોલ્ડ મેડલ
- મેમ્બર ઓફ એશિયન ઓલ સ્ટાર ટીમ: 1986
- અર્જૂન એવોર્ડ- 1980-81
- પદ્મ શ્રી- 1986
જિંદાદિલી માટે શાહિદને યાદ રખાશે
મોહમ્મદ શાહિદને શ્રદ્ધાંજલિ આપીને ભૂતપૂર્વ હોકી દિગ્ગજોએ જણાવ્યું હતું કે મેદાનમાં તેઓ જેટલા મહાન હતા તેટલા મેદાનની બહાર એક વ્યક્તિ તરીકે આદર્શ હતા. ભૂતપૂર્વ હોકી ખેલાડી બલબીરસિંહ સિનિયરે શાહિદને ભારતના મહાન ખેલાડી તરીકે વર્ણવ્યા હતા. મોસ્કો ઓલિમ્પિકમાં તેમની સાથે રમનાર તથા તેમના નજીકના મિત્ર એમ.કે કૌશિકે જણાવ્યું હતું કે તેમણે છેલ્લા સમય સુધી જિંદાદિલી છોડી નહોતી. ભારતીય ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે પાક.ખેલાડીઓ શાહિદથી કેટલા ડરતા હતા તે સમગ્ર દુનિયા જાણે છે.
પાકિસ્તાન દિગ્ગજો પણ શાહિદના ફેન હતા
હું હંમેશાં શાહિદને કહેતો હતો કે તું મારી ટીમમાં આવી જાય તો પાકિસ્તાનને કોઇ પણ ટીમ હરાવી શકે તેમ નથી અને આ વાત તે મારા માટે પણ કહેતો હતો. આ બાબત પાકિસ્તાનના મહાન સેન્ટર ફોરવર્ડ હસન સરદારે કહી છે. શાહિદના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરીને હસને જણાવ્યું હતું કે અમે બંને મેદાનમાં દુશ્મન તથા બહાર ખાસ મિત્રો હતા. શાહિદ પાસે ડ્રિબ્લિંગની કુશળતા તથા રફતાર હતી જે ભાગ્યે જ એક સાથે ખેલાડીઓમાં હોય છે.