• Gujarati News
  • Indian Cricket Team Rank 5th Number And Players Rank Down

ભારત પમાં ક્રમે, ખેલાડીઓનો રેન્ક કથળ્યો, ધોની ૨૮માં ક્રમે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજારા, કોહલી, રહાણે તથા મુરલી વિજયની પીછેહઠ, ધોની ૨૮મા ક્રમે

ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૩-૧થી ગુમાવવાની સાથે જ ભારતીય ટીમની રેન્કિંગમાં પીછેહઠ થઇ ગઇ છે. ભારત યાદીમાં પાંચમાં ક્રમે પહોંચ્યું છે અને ટીમની સાથે ભારતના ખેલાડીઓનો રેન્ક પણ કથળ્યો છે. ભારતને બેટિંગ, બોલિંગ તથા ઓલરાઉન્ડર રેન્કિંગમાં ભારે નુકસાન થયું છે. સતત ફ્લોપ રહેલો ચેતેશ્વર પૂજારા બેટ્સમેનોના રેન્કિંગમાં ચાર ક્રમાંક, વિરાટ કોહલી છ ક્રમાંક, મુરલી વિજય ચાર ક્રમાંક તથા અજિંક્ય રહાણે નવ સ્થાન પાછળ સરકી ગયા છે. હવે પૂજારા ૧૨માથી ૧૬મા ક્રમે પહોંચી ગયો છે. કોહલી ૨૬મા, વિજય ૩૪મા, રહાણે ૪૩મા, અશ્વિન ૪૮મા તથા ગંભીર પ૦મા ક્રમેથી પ૪મા ક્રમાકે સરક્યા છે.

શ્રેણીમાં ભારત તરફથી ઓપનર મુરલી વિજયે સર્વાધિક ૪૦૨ રન બનાવ્યા હતા પરંતુ અંતિમ બે ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યો હતો જેનું નુકસાન ભારતને શરમજનક પરાજય દ્વારા સહન કરવું પડયું હતું. સુકાની મહેન્દ્રસિંહ ધોની એકમાત્ર એવો ખેલાડી રહ્યો હતો જેણે સતત સારો દેખાવ કર્યો હતો. ધોની રેન્કિંગમાં ચાર સ્થાનના સુધારા સાથે ૩૨મા ક્રમેથી ૨૮મા ક્રમે પહોંચી ગયો છે. ધોનીએ શ્રેણીમાં ૩૪૯ રન બનાવ્યા હતા અને તે બંને ટીમ તરફથી સર્વાધિક રન બનાવવાના મામલે જોઇ રુટ, ગેરી બેલેન્સ તથા વિજય બાદ ચોથા ક્રમે રહ્યો હતો.

બેટ્સમેનોની રેન્કિંગમાં શ્રીલંકાનો કુમાર સંગાકારા પોતાના ટોચના સ્થાને જળવાઇ રહ્યો છે. સાઉથ આફ્રિકાનો એબી ડીવિલિયર્સ બીજા તથા શ્રીલંકાનો સુકાની એન્જેલો મેથ્યુઝ ત્રીજા ક્રમે છે. ઓવલ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલો તથા શ્રેણીમાં સર્વાધિક રન બનાવનાર રુટ પાંચ સ્થાનની છલાંગ સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.