તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2007ના વર્લ્ડ કપ પરાજય બાદનો અનુભવ કામે લાગ્યો: ધોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક : 2007ના વન-ડે વર્લ્ડ કપમાં પરાજય તથા ત્યાર બાદ તેના અને ટીમના અન્ય ખેલાડીઓ સામે દેશભરમાં થયેલી પ્રતિક્રિયાનો તેની પર ઉંડો પ્રભાવ પડ્યો હતો અને એ જ કારણે આગામી સમયમાં તે અનુભવ કામે લાગ્યો તેમ ભારતના ટૂંકા ફોર્મેટની ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું. ભારતીય સુકાની ધોની હાલમાં પોતાના જીવન પર બની રહેલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેણે અમેરિકામાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભારતીય ટીમ હારે તો ખેલાડીઓને અપરાધી કે આતંકવાદીની નજરે જોવામાં આવે છે તેમ ધોનીએ જણાવ્યું

ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ક્રિકેટ ટીમ મેચ હારી જાય છે ત્યારે ભારતમાં તે ટીમે જાણે કોઇ અપરાધ કર્યો હોય તેવી રીતે જોવામાં આવે છે અને ખેલાડીઓને હત્યારા કે આતંકવાદી સમજવામાં આવે છે. ધોની હાલમાં તેની ફિલ્મ એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. અમેરિકામાં ફિલ્મનો પ્રચાર કરી રહેલા ધોનીએ પોતાના જીવનના તથા એક નાના શહેરના પ્રતિભાવાન છોકરામાંથી ભારતના સૌથી સન્માનિત સુકાનીમાનો એક બનવા અંગેની પોતાની સંઘર્ષની વાત કરી હતી.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સંઘર્ષગાથા અંગે વધુમાં જણાવ્યું હતું કે 2007ના વન-ડે વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઇ ગયા બાદ કેટલાક લોકોએ મારા ઘર પર પથ્થરમારો કર્યો હતો. ધોનીએ સ્વીકાર્યુ હતું કે તે ખરાબ અનુભવ બાદ તેને ઘણું શીખવા મળ્યું હતું. ફિલ્મમાં ભૂમિકા ભજવવા અંગેના સવાલ પર ધોનીએ જણાવ્યું હતું કે અભિનય કરવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. ખડગપુર રેલ્વે સ્ટેશન પરની નોકરીએ તેને મજબૂત તથા એક સારો માણસ બનવામાં મદદ કરી હોવાનું પણ ધોનીએ કબૂલ્યું હતું. આત્મકથા અંગે ધોનીએ જણાવ્યું હતું કે પુસ્તક લખવામાં વધારે મહેનત પડે છે અને તેમાં સમય પણ વધુ લાગે છે.

ભારતને રમત ક્ષેત્રે સફળતા મળવા અંગે ધોનીએ જણાવ્યું હતું કે યોગ્ય માળખાગત સુવાધા તથા માર્ગદર્શન ઉપરાંત રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો જુસ્સો જ ભારતને રમત રાષ્ટ્ર બનાવી શકે છે. રમતમાં ઓછા સમયમાં પરિણામ મળતા નથી. તેણે વધુમાં જણાવ્યું હતું કે એક ઓલિમ્પિક બાદ જો આપણે રમતમાં રોકાણ કરીએ અને આશા કરીએ કે ગોલ્ડમેડલ જીતીશું તો એ ખોટું છે.
અન્ય સમાચારો પણ છે...