8 વિકેટે વિજય મેળવી બાંગ્લાદેશ સામે ભારતે ૨-૦થી શ્રેણી જીતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધુરી મહેતા, શિખા પાંડેય અને જુલન ગોસ્વામીનું દમદાર પ્રદર્શન

બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશ સામેની લો-સ્કોરિંગ મેચમાં ભારતીય વિમેન્સ ટીમે અહીં રમાયેલી બીજી ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ૪પ બોલ બાકી રાખીને ૮ વિકેટે વિજય હાંસલ કરી ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. વિમેન્સ ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં પ્રેક્ટિસના સ્વરૂપે આ શ્રેણી રમી રહેલી ભારતીય ટીમ રમતના પ્રત્યેક વિભાગમાં બાંગ્લાદેશને ભારે પડી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બાંગ્લાદેશના નિર્ણય ખોટો સાબિત થયો હતો અને યજમાન ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૬પ રન બનાવી શકી હતી.

ભારતે માધુરી મહેતા (૨૩) તથા શિખા પાંડેય વચ્ચે પ્રથમ વિકેટ માટે નોંધાયેલી ૪૩ રનની ભાગીદારી અને જુલન ગોસ્વામીએ આક્રમક નોંધાવેલા અણનમ ૧૮ રનની મદદથી ૧૨.૩ ઓવરમાં બે વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશની ચાર બેટ્સવુમન બેવડા આંક સુધીનો સ્કોર નોંધાવી શકી હતી. ફરઝાના હકે સર્વાધિક ૧૮ રન બનાવ્યા હતા. યજમાન ટીમ માટે ફરઝાના તથા નુજહત તાસિનયા (૧૧) વચ્ચે ૨૩ રનની સર્વશ્રેષ્ઠ ભાગીદારી નોંધાઇ હતી. ભારત તરફથી લેગ સ્પિનર પૂનમ યાદવે નવ રનમાં ત્રણ તથા ગોસ્વામીએ ૧પ રનમાં બે વિકેટ ખેરવી હતી. ભારતની ફિલ્ડિંગ ઉચ્ચ સ્તરની રહી હતી અને પ્રવાસી ટીમે ૪ બેટ્સવુમનને રનઆઉટ કરી હતી.