• Gujarati News
  • India Vs West Indies 2013 First Test Rohit Sharma Hundred Sachin 199th Test Third Day Kolkata

Live: અશ્વિને ફટકારી અડધી સદી, ટીમ ઈન્ડિયા જંગી સ્કોર ભણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોલકાતામાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક દાવ અને 51 રને ભવ્ય વિજય
- મેન ઓફ ધ મેચ રોહિત શર્માની ડેબ્યૂ મેચમાં શાનદાર સદી, ફટકાર્યા 177 રન
- મોહમ્મદ શમીએ પ્રથમ દાવમાં 4 અને બીજા દાવમાં 5 મળીને કુલ 9 વિકેટ લીધી
- અશ્વિને પણ દેખાડ્યો દમ, 124 રન ફટકારવા ઉપરાંત લીધી કુલ 5 વિકેટ


પ્રથમ દાવમાં રોહિત શર્મા અને અશ્વિનની સદીઓ બાદ બીજા દાવમાં મોહમ્મદ શમીની સ્વિંગ બોલિંગે બોલાવેલા સપાટાની મદદથી ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. શમીએ કરેલી ઘાતક બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડીઝને એક દાવ અને 51 રને પરાજય આપીને કોલકાતામાં સચિન તેંડુલકરની અંતિમ મેચમાં માસ્ટર બ્લાસ્ટરને વિજયી વિદાય આપી છે. આ સાથે ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચ બાદ સચિન તેંડુલકરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

- વેસ્ટ ઈન્ડીઝનો બીજો દાવ
રોહિત શર્મા (177) અને રવિચંદ્રન અશ્વિન (124)ની ધમાકેદાર સદીઓ અને રેકોર્ડબ્રેક ભાગીદારીની મદદથી ભારતે તેના પ્રથમ દાવમાં 453 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. પ્રથમ દાવમાં બેટિંગમાં પ્રમાણમાં સારો દેખાવ કરનારી વેસ્ટ ઈન્ડીઝ ટીમ તરફથી બીજા દાવમાં પણ તેવા જ બેટિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ ત્રીજા સત્રમાં ડેબ્યૂ કરનાર મધ્યમ ઝડપી બોલર મોહમ્મદ શમીએ (5 વિકેટ) સપાટો બોલાવ્યો હતો અને કેરેબિયન બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. 101 રનમાં ફક્ત 2 વિકેટ ગુમાવનારી કેરેબિયન ટીમ 168 રનમાં તો તંબૂ ભેગી થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડીઝ તરફથી ટોપ ઓર્ડરના બેટ્સમેનો અને શિવનારાયણ ચંદ્રપોલે બે આંકડાનો સ્કોર નોંધાવ્યો હતો. આ સિવાય એક પણ કેરેબિયન બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો નહોતો. ડેરેન બ્રાવોએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા તો કિરોન પોવેલે 36 અને ક્રિસ ગેઈલે 33 રન બનાવ્યા હતા. શિવનારાયણ ચંદ્રપોલ 31 રને નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવમાં પાંચ એમ કુલ મળીને 9 વિકેટ લઈને પોતાની ડેબ્યૂ ટેસ્ટને યાદગાર બનાવી દીધી. આ ઉપરાંત બીજા દાવમાં અશ્વિને ત્રણ અને ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી.

- ભારતનો પ્રથમ દાવ

રોહિત શર્માની રેકોર્ડબ્રેક ઈનિંગ્સ અને અશ્વિનની બીજી ટેસ્ટ સદીની મદદથી કોલકાતા ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે જંગી સ્કોર ખડક્યો છે. શેન શિલિંગફોર્ડની ઘાતક બોલિંગ છતાં કેરેબિયન ટીમ રોહિત અને અશ્વિનને રોકી શકવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડીઝના 234 રન સામે ભારતે 453 રનનો સ્કોર ખડક્યો છે. આ સાથે ભારતે વિન્ડીઝ ટીમ પર 219 રનની જંગી સરસાઈ મેળવી લીધી છે.
ત્રીજા દિવસે ભારતે 6 વિકેટે 354 રનના સ્કોરથી પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. બીજા દિવસના અંતે 92 રને રમી રહેલા અશ્વિને શરૂઆતમાં જ પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જ્યારે રોહિત શર્માએ પોતાના સ્કોરને વધારે આગળ વધારતા 150 રન પાર કર્યા હતા. ત્રીજા દિવસે સ્પિનર વીરાસેમ્મી પેરમોલે રોહિતને આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તરખાટ મચાવનારા શિલિંગફોર્ડ ભારતને વધુ બે ઝટકા આપ્યા હતા. શિલિંગફોર્ડે અશ્વિન અને ભુવનેશ્વર કુમારની વિકેટો ઝડપી હતી. જ્યારે પેરમોલે શમીને સ્ટંપિંગ આઉટ કરવતા જ 453 રનના સ્કોર પર ભારતના પ્રથમ દાવનો અંત આવ્યો હતો.
ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 177 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે અશ્વિને 124 રન ફટકાર્યા હતા. સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડીઝ તરફથી શેન શિલિંગફોર્ડે 167 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે પેરમોલને 2 તથા ટિનો બેસ્ટ અને શેલ્ડન કોટ્રેલને એક-એક સફળતા મળી હતી.