LIVE : દિલશાને અપાવી શ્રીલંકાને આક્રમક શરૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સદી બાદ દર્શકોનું અભિવાદન ઝીલતો વિરાટ કોહલી.)
રાંચી : વિરાટ કોહલીના 126 બોલમાં અણનમ 139 રન,અંબાતિ રાયડુના 59 અને અક્ષર પટેલના લડાયક 17 રનની મદદથી ભારતે શ્રીલંકા સામેની પાંચમી અને અંતિમ વન-ડેમાં 3 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે શ્રીલંકાનો 5-0થી વ્હાઇટવોશ કર્યો છે. 32 વર્ષ બાદ ભારત શ્રીલંકાનો વ્હાઇટવોશ કરવા સફળ રહ્યું છે. છેલ્લે ભારતે 1982માં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. શ્રીલંકાનો 5-0થી વ્હાઇટવોશ કરવા ભારત પ્રથમ વખત સફળ રહ્યું છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા એન્જલો મેથ્યુસના 139 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 286 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોહલીએ કારકિર્દીની 21મી સદી ફટકારી હતી.
વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ
પાંચ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીએ પાંચ મેચમાં એક સદી અને બે અડધી સદી સાથે 329 રન બનાવ્યા હતા.
ભારતે 5-0થી ચોથી વખત હરિફ ટીમનો વ્હાઇટવોશ કર્યો
ભારત 5-0થી ક્લીનસ્વીપ કરવામાં ચોથી વખત સફળ રહ્યું છે. શ્રીલંકા પહેલા અગાઉ ભારતે બે વખત ઇંગ્લેન્ડનો, એક વખત ન્યૂઝીલેન્ડનો અને એક વખત ઝિમ્બાબ્વેનો 5-0થી વ્હાઇટવોશ કર્યો છે. મેચમાં 2 વિકેટ અને 139 રન ફટકારવા બદલ એન્જલો મેથ્યુસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
એન્જલો મેથ્યુસની સદી, ભારતને 287 રનનો પડકાર
એન્જલો મેથ્યુસના 116 બોલમાં અણનમ 139 રન અને થિરીમાનેના 52 રનની મદદથી શ્રીલંકાએ ભારત સામેની પાંચમી અને અંતિમ વન-ડેમાં 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 286 રન બનાવી લીધા છે. શ્રીલંકાએ અંતિમ 5 ઓવરમાં 73 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ધવલ કુલકર્ણીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને અશ્વિને 2-2 વિકેટ, જ્યારે સ્ટુઅર્ટ બિન્નીને 1 વિકેટ મળી હતી.
શ્રીલંકાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
પાંચમી અને અંતિમ વન-ડેમાં શ્રીલંકાના કેપ્ટન એન્જલો મેથ્યુસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં કેદાર જાધવ અને શ્રીલંકાની ટીમમાં નિરોશન ડિકવેલાને વન-ડે કેપ આપવામાં આવી હતી.
બન્ને ટીમ આ પ્રકારે છે.
ભારત - અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રોબિન ઉથપ્પા, વિરાટ કોહલી (કેપ્ટન), અંબાતી રાયુડૂ, કેદાર જાધવ, કરન શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, અક્ષર પટેલ, આર.અશ્વિન. ધવલ કુલકર્ણી.
શ્રીલંકા - ડિકવેલા, તિલકરત્ને દિલશાન, દિનેશ ચંદિમલ, લાહિરુ થિરીમાને, મહેલા જયવર્ધને, શમિંડા એરંગા, એ. મેથ્યૂઝ (કેપ્ટન), તિષારા પરેરા, એસ. પ્રસન્ના, અંજતા મેન્ડિસ, ગમાવે.
આગળ ક્લિક કરો અને જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો....