વુમન વર્લ્ડ કપ : ભારતનો લક્ષ્યાંક Supar Six રહેશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકન ટીમ વધુ એક અપસેટ સર્જવા આતુર

મિતાલી રાજનું ફોર્મ ચિંતાનો વિષય સ્ટાર ક્રિકેટ પર બપોરે ૨.૩૦થી પ્રસારણ

વર્તમાન ચેમ્યિયન ઇંગ્લેન્ડ સામે ૩૨ રનથી પરાજિત થયા બાદ મિતાલી રાજના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે મંગળવારે રમાનારા ગ્રૂપ-એના મુકાબલામાં કોઇ પણ પ્રકારની ભૂલ કર્યા વિના વિજય મેળવીને સુપર-૬માં સ્થાન નિ‌શ્ચિ‌ત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોના મુકાબલા સમાન છે. સુપર-૬માં સ્થાન મેળવવા માટે ભારતે શ્રીલંકા સામે કોઇ પણ ભોગે વિજય હાંસલ કરવાનો રહેશે. પ્રથમ મેચમાં વિન્ડીઝને ૧૦પ રનથી હરાવ્યા બાદ ભારતને ઇંગ્લેન્ડ સામે ૨૭૨ રનનો લક્ષ્યાંક ચેઝ કરવામાં મુશ્કેલી પડી હતી.

શ્રીલંકાએ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટનો મેજર અપસેટ સજ્ર્યો હતો પરંતુ બીજી મેચમાં વિન્ડીઝ સામે ૨૦૯ રનથી કારમો પરાજય થયો હતો. સુકાની મિતાલી રાજનું ફોર્મ ચિંતાજનક છે પરંતુ તે પોતાની ઓપનર્સ કામિની તથા રાઉત પાસેથી વધુ એક વખત સંગીન શરૂઆતની આશા રાખશે. ઉપસુકાની હરમનપ્રીત કૌરે ઇંગ્લેન્ડ સામે અણનમ ૧૦૭ રન બનાવીને શાનદાર ફોર્મનો પરચો આપ્યો હતો. જો તેનું આ પ્રકારનું પ્રદર્શન જારી રહેશે તો ભારતની મધ્યમ હરોળ વધારે મજબૂત બનશે. ટીમની અન્ય ખેલાડીઓએ પણ કૌરને સમર્થન આપવાની જરૂર છે.
ભારતે અત્યાર સુધી શ્રીલંકા સામે ૧૭ મેચ રમી છે જેમાંથી ૧૬ મેચમાં વિજય હાંસલ કર્યો છે અને એક મેચનું પરિણામ આવ્યું નહોતું. જોકે ભારત રેર્કોડને ધ્યાનમાં રાખીને શ્રીલંકન ટીમને હળવાશથી લેવાની કોઇ ભૂલ કરશે નહીં.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટોચના સ્થાન માટે જંગ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સુપર-૬માં પ્રવેશ કરી લીધો હોવા છતાં બંને ટીમો મંગળવારે અહીં રમાનારી વિમેન્સ વર્લ્ડ કપની લીગ મેચમાં વિજય હાંસલ કરીને પોતાના ગ્રૂપ-બીમાં ટોચનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. ૨૦૦૦ની ચેમ્પિયન ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે વિજય હાંસલ કરીને ઓસ્ટ્રેલિયાને પોતાના ઇરાદાનો સંકેત આપી દીધો છે. બીજી તરફ ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ઓસ્ટ્રેલિયન ટીમ પણ વિજય માટે ફેવરિટ છે પરંતુ તેની બેટ્સવુમન ક્ષમતા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે. બોલર્સ ફોર્મમાં હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ સામાન્ય સ્કોરનું પણ રક્ષણ કરવામાં સફળ રહી છે.

પાકિસ્તાન-સાઉથ આફ્રિકા વચ્ચે આજે કરો યા મરોનો મુકાબલો

સુપર-૬ તબક્કાનું સ્થાન હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હોવાથી પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા માટે મંગળવારે અહીં રમાનારો ગ્રૂપ-બીનો વિમેન્સ વર્લ્ડ કપનો મુકાબલો બંને માટે કરો યા મરોનો બની રહેશે. બંને ટીમો બે-બે મુકાબલા હારી ચૂકી છે અને બંને ટૂર્નામેન્ટમાંથી બહાર જવાના આરે છે. તેથી જે ટીમ હારશે તે ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ જશે અને વિજેતા ટીમ સુપર-૬માં પ્રવેશ કરશે. સાઉથ આફ્રિકા કરતા પાકિસ્તાન સામે તેની બેટિંગ તથા બોલિંગની ઘણી ચિંતા છે. પાકિસ્તાન બે મેચમાં ૮૪ તથા ૧૦૪ રનનો સ્કોર નોંધાવી શક્યું હતું. બીજી તરફ સાઉથ આફ્રિકન ટીમ સ્પર્ધાત્મક રમી રહી છે. પાકિસ્તાની બોલર્સ માટે હરીફ ટીમને કાબૂમાં રાખવા તે કપરાં ચઢાણ સમાન સાબિત થઇ શકે છે.