વર્લ્ડકપ માટે અક્ષરને હું પસંદ કરું : કોહલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એક મેચ દરમિયાનની અક્ષર પટેલ અને કોહલીની ફાઇલ તસવીર)
ગુજરાતના સ્પિનરના ઓલરાઉન્ડ પરફોર્મન્સના ભારોભાર વખાણ કર્યા
શ્રીલંકા સામે ટીમે દાખવેલા ઝનૂનની પણ પ્રશંસા કરી
રાંચી: સ્પિનર અક્ષર પટેલના શાનદાર ઓલરાઉન્ડ દેખાવથી પ્રભાવિત ભારતના સ્ટેન્ડ-ઈન સુકાની વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં ડાબોડી સ્પિનરને સાથે રાખવાનું પસંદ કરશે એવો અણસાર મળ્યો હતો. શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં અક્ષરના ઓલરાઉન્ડ દેખાવને લીધે એક માત્ર સ્પિનર તરીકે હવે રવિચંદ્રન અશ્વિન આપમેળે પ્રથમ પસંદગી રહ્યો નથી.શ્રીલંકાને 5-0થી કચડી નાખ્યા બાદ કોહલીએ કહ્યું હતું કે આશા રાખીએ કે અક્ષર તેનો આવો દેખાવ જાળવી રાખે અને તો તેને ઉપરના ક્રમે બેટિંગમાં ઊતારવા વિચારવાની ફરજ પડી શકે છે. તમે આ ફેરફાર ક્યારે થાય એ કહી ન શકો. સમગ્રત: હું કહીશ કે તેના દેખાવથી હું ખુશ છું. હું તેને આગામી શ્રેણીમાં ઉપલાક્રમે બેટિંગ કરવા મળે એવી શુભેચ્છા પાઠવીશ.
ગુજરાતના આ સ્પિનરે પાંચ મેચની શ્રેણીમાં11 વિકેટ ઝડપી હતી અને પાંચમી વન-ડેમાં નહીં રમનારા પેસબોલર ઉમેશ યાદવને પાછળ રાખી દીધો હતો.તેણે કહ્યું કે રિંગમાં સાત ખેલાડી હોય તેમ છતાં તેણે ક્યારેય મને બોલિંગ માટે ના પાડી નથી અને બેટ્સમેનોને બહુ છૂટ આપી નથી. તેનો આત્મવિશ્વાસ બહુ ઊંચો છે. ટીમના ઝનૂની અભિગમને બિરદાવ્યો : કોહલીએ શ્રીલંકા સામેના વિજય બાદ ટીમના સકારાત્મક વલણ અને ઝનૂની અભિગમને બિરદાવ્યો હતો.છેલ્લી અને પાંચમી મેચમાં અણનમ 139 રનની વિજયી ઈનિંગ્સ બાદ કોહલીએ કહ્યું કે ખેલાડીઓ સંરક્ષણાત્મક અને નકારાત્મક રમતને બદલે સકારાત્મકતા અને ઝનૂન સાથે રમ્યા. તેથી જ અમે ખરેખર દબાણનો પણ આસાનીથી સામનો કરી શક્યા. બોલરને માર પડતો છતાં તે વિકેટ લેવાનો જ પ્રયાસ કરતો. આ પરિવર્તનની જ અમારે જરૂર હતી.
ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શનનો વર્લ્ડ કપમાં લાભ નહીં થાય : રોહિત શર્મા, અજિંકય રહાણે, શિખર ધવન, અંબાતી રાયડૂ અને પોતે કરેલા રનના ઢગલા બાબતના પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું હતું કે બેટ્સમેન્સ માટે ઉપખંડમાં મેચો રમાતી હોય ત્યારે ફિલ્ડ રિસ્ટ્રિક્શન લાભદાયી રહી શકે છે પરંતુ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપમાં તેનો કોઈ ખાસ લાભ નહીં થાય કેમ કે ત્યાંની પિચો જુદા મિજાજની જ હોય છે.