હોકી ટીમના કોચ ટેરી વોલ્શનું રાજીનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોચ ટેરી વોલ્શેની ફાઇલ તસવીર)
-રમતમંત્રી સોનોવાલ સાથેની મુલાકાત નિષ્ફળ રહી, વોલ્શની માગો પર ચર્ચા બાદ નવો પ્રસ્તાવ મુકાશે
નવી દિલ્હી:ભારતીય હોકી ટીમના કોચ ટેરી વોલ્શે હોકી ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કરાર સંબંધિત વાતચીત નિષ્ફળ રહ્યા બાદ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેમના કેટલાક સુઝાવ પર વિચારણા ચાલી રહી છે. વોલ્શનો કરાર બુધવારે સમાપ્ત થઇ રહ્યો છે. તેમણે ગયા મહિને પણ પોતાના પદ પરથી રાજીમાનું આપી દીધું હતું કારણ કે હોકી ઇન્ડિયા અને સાંઇએ ટીમના નિર્ણયોમાં પોતાની વાતને વધારે મહત્વ આપવાની પોતાની માગને ફગાવી દીધી હતી.

વોલ્શને પોતાના પદ પર બની રહેવા માટે વાતચીત કરવામાં આવી હતી અને તે સવારે રમતમંત્રી સર્બાનંદ સોનોવાલને પણ મળ્યા હતા પરંતુ વાતચીતનું કોઇ પરિણામ આવ્યું નહોતું. તેથી જ વોલ્શે પોતાનું રાજીનામનું પરત લીધા વિના જ ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય કરી લીધો છે. જોકે તેમની પાસે આગામી બે દિવસમાં નવો પ્રસ્તાવ મોકલવામાં આવશે.
તેથી તેમની પાસે હજી પણ પુનરાગમન કરવાની તક રહેલી છે. વોલ્શે પત્રકારોને જણાવ્યું હતું કે તે ભારતીય ટીમને કોચિંગ આપવા માટે આશાવાદી છે અને નવા પ્રસ્તાવ પર તેની તમામ માંગો પર વિચારણા થવી જોઇએ. અગાઉ તેમની અને હોકી ઇન્ડિયાના મહાસચિવ નરિંદર બત્રા વચ્ચે મતભેદ હોવાની વાત પણ સામે આવી હતી.

બત્રાએ આરોપ લગાવ્યો હતો કે વોલ્શ જ્યારે અમેરિકાની ટીમને કોચિંગ આપી રહ્યા હતા ત્યારે તેમણે નાણાંકીય ભ્રષ્ટાચાર આદર્યો હતો અને ટીમ ઓસ્ટ્રેલિયાના ટેરી વોલ્શને પોતાની સાથે રાખવા માટે રાજી નહોતી. જોકે બીજી તરફ જો વોલ્શ ભારતીય ટીમ સાથે ફરીથી નહીં જોડાય તો તે ભારતીય ટીમ માટે મોટા ફટકા સમાન છે કારણ કે છેલ્લા કેટલાક સમયમાં તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.