તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયાની અપીલ ફગાવાઇ:પ્રતિબંધ જારી, રમતની સર્વોચ્ચ મધ્યસ્થ અદાલતનો ચુકાદો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુસાને (સ્વિટ્ઝર્લેન્ડ): રમતની સર્વોચ્ચ મધ્યસ્થ અદાલતે (કોર્ટ ઓફ આર્બિટેશન ફોર સ્પોર્ટ્સ) ડોપિંગમાં સંડોવાયેલા 67 એથ્લેટ્સ પરનો પ્રતિબંધ જારી રાખતા તેમનું ઓગસ્ટમાં યોજાનારી રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવું મુશ્કેલ બની ગયું છે. ગુરુવારે પ્રતિબંધ સામે એથ્લેટ્સે કરેલી અપીલને કોર્ટ ફગાવી દેતાં રશિયાનું રિયો ગેમ્સમાંથી બહાર થવાનો જોખમ ઊભું થયું છે.

67 એથ્લેટ્સે કરેલી અપીલ નકારાઇ, રશિયન સ્પોર્ટ્સમાં હતાશા છવાઇ

આર્બિટેશન કોર્ટના નિર્ણય બાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) માત્ર એથ્લેટિક્સમાં જ નહીં પરંતુ ઓલિમ્પિકની અન્ય રમતોમાં પણ રશિયાના ભાગ લેવા પર પ્રતિબંધ લાદી શકે છે. જો આ પરિસ્થિતિ ઊભી થશે તો રમતોની આ મહાશક્તિ ગણાતા રશિયા માટે શરમજનક બાબત બનશે અને ઓલિમ્પિક આંદોલનમાં પણ એક ગંભીર સમસ્યા ઊભી થશે. રશિયાને અન્ય રમતોમાં ભાગ લેવા અંગેની મંજૂરી આપવી કે નહીં તેનો આઇઓસી રવિવારે અંતિમ નિર્ણય લેશે.

મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર

1980માં અમેરિકા તથા તેના સહયોગી દેશોએ મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સોવિયત સંઘે 1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો.રશિયાની વર્તમાન સ્થિતિમાં ઓલિમ્પિક આંદોલનમાં નવું સંકટ આવે તેવી પ્રબળ સંભાવના છે.

નિર્ણય ભારે નિરાશાજનક : રશિયા

રશિયાના પ્રવક્તા દિમિત્રે પેસ્કોવે જણાવ્યું હતું કે આર્બિટેશન કોર્ટે આપેલો નિર્ણય હકીકતમાં નિરાશાજનક છે. જેને સહન કરવો અમારા માટે મુશ્કેલ રહેશે. રશિયાની બે વખતની ગોલ્ડ મેડલ વિજેતા સ્ટાર પોલ વોલ્ટર મહિલા એથ્લેટ યેલેના ઇસિનબેયાવાએ પણ નિર્ણયથી હતાશ થઇને જણાવ્યું હતું કે રિયો ગેમ્સ રશિયન એથ્લેટ્સ માટે કબ્રસ્તાન બની શકે છે. રિયો ગેમ્સમાં ભાગ લેવું હવે માત્ર આઇઓસી પર મદાર રાખે છે.

પૂરા દેશને બહાર કરવો યોગ્ય નથી

રશિયાએ જણાવ્યું હતું કે અમે દેશની રમતોને ડોપિંગ મુક્ત બનાવવા માટેની દિશામાં કાર્યવાહી કરી રહ્યા છીએ પરંતુ તમામ એથ્લેટ્સને રમતોના મહાકુંભમાં ભાગ લેવાથી વંચિત રાખવા યોગ્ય નથી. જે ખેલાડીઓ ભૂતકાળમાં પણ ડોપિંગમાં સંડોવાયા નથી તેમની સાથે અન્યાય થશે તે ચોક્કસ છે.

રવિવારે કેટલાક સ્ટાર્સનું ભાવિ ઘડાશે

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ જો રવિવારે રશિયાના તમામ રમતવીરો પર પ્રતિબંધ લાદશે તો સ્ટાર પોલવોલ્ટર ઇસિનબાયેવા, સ્વીમર યુલિયા ઇફિમોવા, વ્લાદમિર મોરઝોવ સહિત કેટલાક સ્ટાર્સ રિયો ઓલિમ્પિકમાં ભાગ લઇ શકશે નહીં.

IAAF સંતુષ્ટ

ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન્સ (આઇએએએફ) કાઉન્સિલે આર્બિટેશન કોર્ટના નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે અમે આ નિર્ણયથી સંતુષ્ટ છીએ. પ્રમુખ સેબેસ્ટિયને જણાવ્યું હતું કે ડોપિંગ વિરોધી કાર્યવાહી હવે વધારે મજબૂત બનશે. હું એથ્લેટ્સને સ્પર્ધામાં ભાગ લેતા રોકવા માટે આવ્યો નથી પરંતુ કાઉન્સિલનો લક્ષ્યાંક ગેમ્સમાં તેમની ભાગીદારીને સુનિશ્ચિત કરવાનો છે.

રમતમાં ડોપિંગ ન ચલાવી લેવાય : બોલ્ટ

ઝડપી રનર યુસૈન બોલ્ટે રમતની સર્વોચ્ચ મધ્યસ્થ અદાલતે આપેલા નિર્ણયને આવકાર્યો હતો તથા તેણે જણાવ્યું હતું કે રમતમાં ડોપિંગને ચલાવી ન શકાય. બોલ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ સખત નિર્ણયથી ખેલાડીઓ ડોપિંગ કરતા ડરશે. નિયમો તમામ ખેલાડી માટે સરખા હોવા જોઇએ. જો સમગ્ર દેશ પર પ્રતિબંધ કરવો યોગ્ય હોય તો હું તેને સમર્થન કરું છું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો