ફ્રેન્ચ ઓપનમાં આજથી ક્રમાંકિતો વચ્ચે જંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોલેન્ડ ગરોસ ખાતે રમાનારા ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં રવિવારથી વિશ્વભરના ક્રમાંકિતો વચ્ચે રોમાંચક મુકાબલો થશે જેમાં મુખ્યત્વે મેન્સ સિંગલ્સમાં સર્બિયાના નોવાક જોકોવિચ તથા સ્પેનના રફેલ નાદાલ વચ્ચે સુપર-૮ (પ્રી-ક્વાર્ટર ફાઇનલ)નો મુકાબલો અત્યંત રસપ્રદ બની રહે તેવી સંભાવના છે. વિમેન્સ સિંગલ્સમાં અમેરિકન પાવરહાઉસ ગણાતી સેરેના વિલિયમ્સ ૨૦૦૨માં ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બન્યા બાદ ક્યારેય આ ગ્રાન્ડસ્લેમ નહીં જીતી શકવાની પરંપરાને તોડવાના ઇરાદા સાથે કોર્ટ પર ઊતરશે. બેલ્જિયમની જસ્ટિન હેનિન, કિમ ક્લાઇસ્ટર્સ નહીં હોવાના કારણે સેરેના તથા વિનસ વિલિયમ્સ ટાઇટલ માટે ફેવરિટ ગણાય છે પરંતુ આ બંને માટે રશિયન સ્ટાર મારિયા શારાપોવા તથા બેલારસની વિક્ટોરિયા અઝારેન્કો જોખમ ઊભું કરી શકે છે.

વિલિયમ્સ બહેનો સામે શારાપોવાનો ૧૩-૨નો તથા અઝારેન્કોને ૧૨-૨નો રેકોર્ડ છે પરંતુ આ કલે કોર્ટ પર ચારેય સ્ટાર ખેલાડીઓ એકબીજા સામેનો રેકોર્ડ સુધારવાના પ્રયાસ કરશે. શારાપોવા તથા અઝારેન્કો ઉપરાંત સેરેનાને ચીનની લી નાત, ઇટાલીની સારા ઇરાની તથા ઓસ્ટ્રેલિયાની સમાન્થા સ્ટોસુર પણ પડકાર ફેંકી શકે છે. ૨૦૦૨ બાદ સેરેના ભાગ્યે જ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી છે. મેન્સ સિંગલ્સમાં ઇજાના કારણે ગ્રાન્ડસ્લેમને બ્રિટનના એન્ડી મરેએ પડતો મૂક્યા બાદ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર, થોમસ બર્ડિચ તથા જો-વિલ્ફ્રેડ સોંગા પણ નાદાલના માર્ગમાં અંતરાયરૂપ બની શકે છે.