ભારત સામેની શ્રેણી માટે ક્લાર્ક શંકાસ્પદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્લાર્ક ચાર મહિનામાં ત્રીજી વખત સ્નાયુ ખેંચાઇ જવાની ઇજાનો ભોગ, સર્જરીમાંથી પસાર થવું પડશે
સિડની: સ્નાયુ ખેંચાઇ જવાની ઇજાના કારણે સુકાની માઇકલ ક્લાર્કનું કેટલાક સમય માટે રમવું અનિશ્ચિત બનતાં આગામી સમયમાં ભારત સામે ઘરઆંગણે રમાનારી શ્રેણી માટેની ઓસ્ટ્રેલિયન ટીમની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. 33 વર્ષીય ક્લાર્કને સાઉથ આફ્રિકા સામે રમાતી વન-ડે શ્રેણી દરમિયાન ઇજા થઇ હતી અને રિપોર્ટના અનુસાર તેને સર્જરીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે.ટીમ પરર્ફોમન્સ ચીફ પેટ હાવર્ડે જણાવ્યું હતું કે અમે વર્લ્ડ કપ તથા એશિઝને અત્યારથી ધ્યાનમાં રાખી રહ્યા છે અને જો ક્લાર્ક ભારત સામેની શ્રેણી પહેલાં ફિટ થઇ જશે તો ટીમને ફાયદો થશે.
જોકે ક્લાર્કે પીઠની ઇજામાંથી મુક્ત થઇને પુનરાગમન કરવા માટે ઘણી ઉતાવળ કરી છે તે અમે જોયું છે અને તે એક કે બે ટેસ્ટ રમીને ફરીથી ઇજાગ્રસ્ત બને તેવું અમે ઇચ્છતા નથી. ઝડપી બોલર નાથાન કાઉલ્ટર નાઇલ પણ હેમસ્ટ્રિંગનો ભોગ બન્યો હતો પરંતુ તે આઠ સપ્તાહ બાદ ક્રિકેટમાં પાછો ફર્યો છે તેવી રીતે ક્લાર્કની ફિટનેસ ઉપર પણ અમે સતત નજર રાખીશું.ઓસ્ટ્રેલિયા માટે 107 ટેસ્ટ રમી ચૂકેલો ક્લાર્ક છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત હેમસ્ટ્રિંગની ઇજાનો ભોગ બન્યો છે અને તે હજુ પણ પીઠની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. હાવર્ડે જણાવ્યું હતું કે અમે ક્લાર્કની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છે અને તે કઇ બાબતોને પ્રાધાન્ય આપી રહ્યો છે તેના સંદર્ભમાં અમે તેની સાથે વાટાઘાટ પણ કરી છે.