• Gujarati News
  • Brad Hodge's Last Over Sixes Guide Australia To Five wicket Win Over South Africa

ઓસ્ટ્રેલિયાનો પ વિકેટે વિજય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોજે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારી સાઉથ આફ્રિકાનો વિજય છીનવ્યો
પ્લેયર ઓફ ધ મેચ બનેલા ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન બ્રેડ હોજે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને પોતાની ટીમને સાઉથ આફ્રિકા સામે અહીં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી બીજી ટ્વેન્ટી૨૦ મેચમાં પાંચ વિકેટે વિજય અપાવતા ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવી લીધી હતી. વરસાદના કારણે મેચ સાત-સાત ઓવરની કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરતા ક્વિનટોન ડી કોકના અણનમ ૪૧ તથા ફાફ ડુ પ્લેસિસના અણનમ ૨૭ રનની મદદથી સાઉથ આફ્રિકાએ એક વિકેટે ૮૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ બે બોલ બાકી રાખીને પાંચ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
વરસાદની સંભાવના વચ્ચે રનચેઝ કરતી વખતે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર તથા ફિન્ચે પ્રથમ વિકેટ માટે ૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે ૧૬ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૪૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રણ બેટ્સમેન વોટસન (૨), મેક્સવેલ (૧) તથા બેઇલી (૨) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા. હોજે આઠ બોલમાં એક બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારીને અણનમ ૨૧ રન ફટકારીને ટીમને વિજય અપાવી દીધો હતો. સાઉથ આફ્રિકાના સંગીન સ્કોરમાં ડી કોકે ૨૦ બોલમાં બે બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે અણનમ ૪૧ રન બનાવ્યા હતા.