બ્રિસબેન ટેસ્ટ અંગે બોર્ડર અને ગાવસ્કર આમનેસામને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ સુકાની એલન બોર્ડરનું માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ડિસેમ્બરથી રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ તેના નિર્ધારિત સમયે રમાવી જોઇએ. બીજી તરફ ફિલ હ્યુજીસના નિધનને ધ્યાનમાં રાખીને સુનિલ ગાવસ્કરે પ્રથમ ટેસ્ટ રમાડવાનો નિર્ણય બંને બોર્ડ પર છોડી દીધો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે રમાય છે. હ્યુજીસના નિધનના કારણે ક્રિકેટ જગત આ સમયે આઘાત તથા શોકમાં છે. પ્રથમ ટેસ્ટ બ્રિસબેન ખાતે ચોથી ડિસેમ્બરથી રમાશે.
હ્યુજીસના નિધન પહેલાં જ બોર્ડરે જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચ તેના નિર્ધારિત સમયે રમાવી જોઇએ અને કયા ખેલાડીઓને તેમાં રમવું છે તેનો નિર્ણય તેમની પર છોડી દેવો જોઇએ. જે સમયે હ્યુજીસ સાથે દુર્ઘટના બની હતી તે સમયે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટેની ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ બ્રેડ હેડિન, ડેવિડ વોર્નર, શેન વોટસન તથા નાથાન લાયન તેની સાથે મેદાનમાં હતા. બોર્ડરે જણાવ્યું હતું કે હ્યુજીસ પણ પ્રથમ ટેસ્ટ રમાય તેવું ઇચ્છતો હતો પરંતુ આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દેવો જોઇએ.
બીજી તરફ ગાવસ્કરે જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટને એક સપ્તાહ કરતા પણ ઓછો સમય રહ્યો છે અને આ સમયે કોઇ પણ ખેલાડી રમવાના મૂડમાં નથી. બંને બોર્ડે આ અંગેનો નિર્ણય લેવો જોઇએ. ઓસ્ટ્રેલિયન બોર્ડના મુખ્ય કાર્યકારી જેમ્સ સધરલેન્ડે પણ જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટના આયોજન પર પ્રશ્નાર્થ છે કારણ કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હજુ પણ પોતાના સાથી ખેલાડીના નિધનથી આઘાતમાં છે.