બોર્ડે મોહિ‌ન્દરને એક જ વર્ષમાં વિદાય આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજર બિન્ની, સબા કરીમ, વિક્રમ રાઠોર, હંસ સામેલ, નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર રહ્યા ભારતીય ક્રિકેટ બોર્ડની રાષ્ટ્રીય પસંદગી સમિતિના ચેરમેન તરીકે ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સંદીપ પાટિલની વરણી કરવામાં આવી છે જ્યારે મોહિ‌ન્દર અમરનાથની પસંદગી સમિતિમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદીએ પણ બોર્ડની બેઠકમાં હાજરી આપી હતી. બોર્ડે તમામ અટકળોને ખોટી પાડીને સાવ નવી જ જણાતી પસંદગી સમિતિ રચી દીધી હતી. અગાઉ રોજર બિન્ની કે મોહિ‌ન્દર અમરનાથ આ સ્થાન માટેના પ્રબળ દાવેદાર હતા પરંતુ બિન્નીને સાઉથના પ્રતિનિધિ તરીકે લેવામાં આવ્યા હતા જ્યારે પાટિલને ચેરમેન બનાવી દેવાયા હતા. છેલ્લા કેટલાક સમયથી પસંદગી સમિતિના દાવેદારો માટે જેમના નામની ચર્ચા થતી હતી તેમાં સંદીપ પાટિલનો ઉલ્લેખ પણ ન હતો. પાંચ સદસ્યની પસંદગી સમિતિમાં ચેરમેન સંદીપ પાટિલ ઉપરાંત રોજર બિન્ની (સાઉથ ઝોન), વિક્રમ રાઠોર (ર્નોથ ઝોન), સબા કરીમ (ઇસ્ટ ઝોન) અને રાજીન્દરસિંઘ હંસ (સેન્ટ્રલ ઝોન)નો સમાવેશ થાય છે. અમરનાથને એક જ વર્ષના કાર્યકાળ બાદ વિદાય આપી દેવામાં આવી હતી. અમરનાથ અંગે બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે તેને નહીં સમાવવાનો નિર્ણય જાહેરમાં ચર્ચા કરવા યોગ્ય નથી અને બોર્ડના સદસ્યો નવી જ સમિતિ ઇચ્છતા હતા. જુનિયર સમિતિના ચેરમેનપદે પંડિત ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચંદ્રકાન્ત પંડિતની જુનિયર પસંદગી સમિતિના ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડની અહીં મળેલી એજીએમમાં સિનિયર પસંદગી સમિતિના ચેરમેન તરીકે મુંબઈના જ સંદીપ પાટિલની પસંદગી થઈ હતી તો જુનિયર સમિતિમાં ચંદ્રકાન્ત પંડિતનો સમાવેશ કરાયો હતો. અગાઉ જુનિયર સમિતિના ચેરમેન મુંબઈના જ ભૂતપૂર્વ ક્રિકેટર અબે કુરુવિલ્લા હતા અને હવે તેના સ્થાને પંડિતની વરણી કરાઈ છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડની ટેક્નિકલ સમિતિના ચેરમેન તરીકે સૌરવ ગાંગુલીને સ્થાને અનિલ કુંબલેની વરણી થઈ છે તો નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના ચેરમેન તરીકે રંજીબ બિસ્વાલ (ઓરિસ્સા)ની વરણી કરાઈ છે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેના ચેરમેન તરીકે રાજીવ શુક્લા રહેશે જ્યારે અન્ય સદસ્યમાં અરુણ જેટલી, અનિરુદ્ધ ચૌધરી, સંજય પટેલ, ગંગારાજુ, રવિ શાસ્ત્રી અને એમ. પી. પાંડવ રહેશે. પસંદગીકારોને ૬૦ લાખનું વેતન ભારતીય ક્રિકેટ બોર્ડે ગુરુવારે નિમાયેલી નવી પસંદગી સમિતિના વાર્ષિ‌ક મહેનતાણામાં બમણો વધારો કરી દીધો છે. હવેથી પસંદગીકારને દર વર્ષે ૬૦ લાખ રૂપિયાનું મહેનતાણું મળશે. આ ઉપરાંત જુનિયર પસંદગીકારોની ફી પણ ૨૦માંથી ૪૦ લાખ રૂપિયા કરી દેવાઈ છે. આ અંગે બોર્ડના પ્રમુખ એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે અમે પસંદગીકારોને વધુ જવાબદાર બનાવવા માગીએ છીએ અને તેઓ આ કામગીરી માટે વધુને વધુ સમય ફાળવે તથા વધારે મેચ નિહાળવા સ્ટેડિયમમાં હાજર રહે તે માટે તેમની ફીમાં વધારો કરાયો છે. તમામ ક્રિકેટર ઇચ્છતા હોય છે કે પસંદગીકારો તેમના ઝોનમાં આવીને મેચ નિહાળે અને તેમના પ્રદર્શન પર પસંદગીકારની નજર પડે. નવી સમિતિના સદસ્યો ભારતની તમામ મેચમાં પણ હાજર રહેશે .