પરાજયનો પડઘો: ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે રવિ શાસ્ત્રીની નિમણૂંક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઈંગ્લેન્ડ સામેની વનડે સિરિઝ માટે ડાયરેક્ટર તરીકે નિમાયેલા રવિ શાસ્ત્રીની ફાઈલ તસવીર.)
- શાસ્ત્રી ટીમ ઈન્ડિયાનો ડાયરેક્ટર
- ટેમ્પરરી પગલાં : ફ્લેચરના અધિકાર પર બોર્ડનો અંકુશ, ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈની તથા બોલિંગ કોચ ડ્વેસને આરામ અપાયો, સંજય બાંગર, શ્રીધર તથા ભરત અરુણ માત્ર બે સપ્તાહ માટે ટીમના સહાયક સ્ટાફ રહેશે

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમના ૧-૩થી થયેલા કારમા પરાજય બાદ ટીમના સહાયક સ્ટાફમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. બીસીસીઆઇએ સંકટમોચકના સ્વરૂપે ભૂતપૂર્વ ક્રિકેટર તથા વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપી છે. ફિલ્ડિંગ કોચ ટ્રેવર પેની તથા બોલિંગ કોચ જોઇ ડ્વેસને આરામ અપાયો છે. તેમના સ્થાને કોચના સહાયકના સ્વરૂપે સંજય બાંગર, ભરત અરુણ તથા ફિલ્ડિંગ કોચ તરીકે આર. શ્રીધરને જવાબદારી સોંપાઇ છે.

ટીમના મુખ્ય કોચ ડંકન ફ્લેચર ટીમના મુખ્ય કોચપદે જળવાઇ રહેશે. તેમનો બીસીસીઆઇ સાથે ૨૦૧પના વર્લ્ડ કપ સુધીનો કોન્ટ્રાક્ટ છે. બીસીસીઆઇના હવાલાથી જણાવાયું છે કે રવિ શાસ્ત્રીને જવાબદારી સોંપવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આ જવાબદારી માત્ર બે સપ્તાહ માટેની રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે રવિ શાસ્ત્રીને ઇમરજન્સીમાં આ પ્રકારની ભૂમિકા સોંપી હોય તેવો આ પ્રથમ બનાવ નથી. અગાઉ ૨૦૦૭માં વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ શાસ્ત્રીને ટીમના મેનેજર તરીકે નીમવામાં આવ્યા હતા. જોકે બીસીસીઆઇએ આ ફેરફાર માત્ર પાંચ મેચની વન-ડે શ્રેણી પૂરતો જ કર્યો છે.

બીસીસીઆઇએ જણાવ્યું કે આ ફેરફાર માત્ર બે સપ્તાહ સુધીના જ રહેશે. ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર ડ્વેસને ૨૦૧૧-૧૨થી ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા છે. આ દરમિયાન ભારતને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમો પરાજય મળ્યો હતો.૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યા બાદ પૈનીને ભારતનો ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યો હતો. બોર્ડના અધિકારીએ એવો પણ સંકેત આપ્યો હતો કે હવે રવિ શાસ્ત્રી અને સુકાની મહેન્દ્રસિંહ ધોની ટીમની રણનીતિ બનાવવા માટે એકબીજાને સહાય કરશે. સંજય બાંગર કોચ તરીકે પોતાને સાબિત કરી ચૂક્યો છે અને ટીમના યુવા ખેલાડીઓ તેને સારી રીતે જાણે છે. નવા સહાયક સ્ટાફની હાજરીમાં મુખ્ય કોચ ડંકન ફ્લેચરની ભૂમિકા કઇ રહેશે તેનો તમામને ખ્યાલ આવી જશે.

ત્રણ નવા સહાયક સ્ટાફ

સંજર બાંગર : આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ બનીને પ્રશંસા મેળવનાર બાંગરે ૨૦૧૩માં ફસ્ર્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારબાદથી તે ભારત-એ ટીમના કોચ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યો છે.

ભરત અરુણ : તામિલનાડુના ભૂતપૂર્વ ઝડપી બોલર ભરત અરુણ ભારતની અંડર-૧૯ ટીમને કોચિંગ આપી ચૂક્યા છે જેમાં ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશિપ હેઠળ ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું.

આર. શ્રીધર : બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે શ્રીધર સંકળાયેલો છે અને યુએઇમાં રમાયેલા અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં સહાયક કોચ તરીકેની ભૂમિકા અદા કરી હતી. તે આઇપીએલ-૭માં કિંગ્સ ઇલેવન પંજાબનો ફિલ્ડિંગ કોચ હતો.

શાસ્ત્રી ટીમમાં નવી ઊર્જા‍નો સંચાર કરશે : સંજય પટેલ

બીસીસીઆઇના સચિવ સંજય પટેલે જણાવ્યું હતું કે રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય ટીમ નવી ઊર્જા‍ સાથે કામ કરશે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે રવિ શાસ્ત્રીના મેદાનની અંદર અને બહારના અનુભવથી રાષ્ટ્રીય ટીમને ફાયદો થશે. છેલ્લા બે અઠવાડિયાથી બીસીસીઆઇના પદાધિકારી આ મામલે ચર્ચા કરી રહ્યા હતા. સોમવારે આ મામલે વિસ્તૃત ચર્ચા બાદ જ બોર્ડે શાસ્ત્રીને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી સુધી પણ ફ્લેચરનું ટકવું મુશ્કેલ

રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના ડાયરેક્ટર બનાવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે વર્તમાન મુખ્ય કોચ ડંકન ફ્લેચરના ભારતીય ટીમ સાથે થોડા જ દિવસો બચ્યાં હોય તેમ લાગે છે. બીસીસીઆઇના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવા અંગે જણાવ્યું હતું કે ડંકન પાસે કોઇ અધિકાર બચ્યો નથી. હવે ટીમના નિર્ણય શાસ્ત્રી જ કરશે તે ફ્લેચરને પણ ખબર છે. હવે ફ્લેચર પાસે હટવા સિવાય અન્ય કોઇ માર્ગ બચ્યો જ નથી. ફ્લેચર જાતે જ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી અગાઉ રાજીનામું આપશે તો કોઇ તેમને રોકશે નહીં.

રવિ શાશ્ત્રી અને ભારત અરુણની કેમ પસંદગી કરવામાં આવી આ વાંચવા માટે આગળ ક્લિક કરો...