• Gujarati News
  • Australian Open , Saina Lost, Indian Challenge Ends In Bedmintan

ઓસ્ટ્રેલિયન ઓપન : સાઇના હારી, ભારતના પડકારનો અંત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ક્વાર્ટર ફાઇનલમાં ચીનની શિઝિયાન વાંગ સામે 21-15, 21-13થી પરાજય

સિડની : વિશ્વની પ્રથમ ક્રમાંકિત તથા વર્તમાન ચેમ્પિયન સાઇના નેહવાલ અહીં ક્વાર્ટર ફાઇનલમાં ચીનની વાંગ શિઝિયાન સામે સીધી ગેમમાં હારી જતાં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ટૂર્નામેન્ટમાં બીજો ક્રમાંક ધરાવતી સાઇનાને પોતાની પરંપરાગત હરીફ ચાઇનીઝ ખેલાડી સામે 21-15, 21-13થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ક્વાર્ટર ફાઇનલ 42 મિનિટ સુધી રમાઇ હતી.

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાની બે વખત ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન વાંગ સામેની 12મી મેચમાં છઠ્ઠી હાર થઇ હતી. પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓએ એકબીજા પર હાવી થવાના પ્રયાસ કર્યા હતા. સાઇનાએ એક સમયે 4-2ની સરસાઇ મેળવી લીધી હતી પરંતુ છઠ્ઠી ક્રમાંકિત ચાઇનીઝ ખેલાડીએ વળતો પ્રહાર કરીને સાઇનાને બેકફૂટ પર ધકેલીની સ્કોર 10-14નો કરી દીધો હતો. જોકે સાઇનાએ સતત ચાર પોઇન્ટ જીતીને સ્કોર 14-14થી સરભર કરી દીધો હતો.

ચાઇનીઝ ખેલાડીએ કોર્ટ પર પોતાનું વર્ચસ્વ મેળવ્યું હતું અને ત્યાર બાદ સતત છ પોઇન્ટ હાંસલ કરીને પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમમાં ચાઇનીઝ ખેલાડીએ 3-1ની સરસાઇ સાથે સંગીન શરૂઆત કરી હતી. સાઇનાએ મેચમાં પરત ફરવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ વાંગે તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. પ્રથમ 10 પોઇન્ટ સુધી બંને ખેલાડીઓ વચ્ચે એકબીજાથી આગળ થવાની હોડ લાગી હતી પરંતુ આખરે સાઇનાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.