હ્યુજીસના નિધનના કારણે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ પાછી ઠેલાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડી પડેલ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન માઇકલ ક્લાર્ક.)
બ્રિસબેન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફિલિપ હ્યુજીસના આકસ્મિક નિધનના કારણે પાછી ઠેલવવામાં આવી છે. હ્યુજીસના અંતિમ સંસ્કાર 3 ડિસેમ્બરના રોજ હોવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઆએ પ્રથમ ટેસ્ટ પાછી ઠેલવવાનો નિર્ણય કરાયો છે. હ્યુજીસને અંતિમ વિદાય તેના મૂળ વતન મિડ-નોર્થ કોસ્ટ સ્થિત મૈકવિલ ખાતે અપાશે, ઉલ્લેખનિય છે કે અગાઉ પ્રથમ ટેસ્ટ 4 ડિસેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાવાની હતી.
ચાર ખેલાડીઓએ રમવાની ના પાડી હતી
ધ ઓસ્ટ્રેલિયન’ અખબારમાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના સિનિયર પ્લેયરો શેન વોટ્સન, ડેવિડ વોર્નર , બ્રેડ હેડિન અને અન્ય એક ક્રિકેટરે પ્રથમ ટેસ્ટ રમવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે અમારી માનસિક સ્થિતિ હાલ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા તૈયાર નથી.
ક્યારે રમાઈ શકે છે બ્રિસબેન ટેસ્ટ?
રિપોર્ટ પ્રમાણે તો બ્રિસબેન ટેસ્ટ પાછી ઠેલવતા હવે તે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના સમયગાળામાં રમાડી શકે છે. બીજી ટેસ્ટ 12 ડિસેમ્બર એડિલેડ અને ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમા રમાશે. આ ટેસ્ટ વચ્ચે જે 10 દિવસનો ગાળો છે તેમાં બ્રિસબેન ટેસ્ટ રમાઈ શકે છે.
હ્યુજીસના અંતિમ સંસ્કાર બુધવારે
ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસના અંતિમ સંસ્કાર ત્રણ ડિસેમ્બરના બુધવારે ન્યૂ સાઉથવેલ્સ સ્થિત તેના શહેર મેક્સવિલેમાં થશે. અંતિમ સંસ્કાર મેક્સવિલે હાઇસ્કુલના હોલમાં થશે જ્યાં હ્યુજીસે અભ્યાસ કર્યો હતો. તેનું સીધું પ્રસારણ ચેનલ નાઇન નેટવર્ક પર કરવામાં આવશે. એબીસી સ્થાનિક રેડિયો અને ફેયરફોક્સ રેડિયો દ્વારા પણ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશમાં અંતિમ સંસ્કારનું પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા લોકો હ્યુજીસને અંતિમ વિદાય આપી શકશે.
ટેસ્ટ ત્રણ દિવસ પાછી ઠેલવી જોઈએ : બોર્ડર
પૂર્વ સુકાની એલેન બોર્ડરનું માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સપ્તાહે યોજાનારી પહેલી ટેસ્ટ ત્રણ દિવસ માટે પાછી ઠેલવી જોઈએ જેથી ખેલાડીઓ ફિલિપ હ્યુજીસની અંતિમ વિધિમાં હાજર રહી શકે. બોર્ડરે કહ્યું કે પહેલી ટેસ્ટ ચાર ડિસેમ્બરને બદલે આઠ ડિસેમ્બરથી શરૂ થવી જોઈએ. તેણે કહ્યું કે મેચ રમાવી જોઈએ પરંતુ પહેલી ટેસ્ટ ત્રણ દિવસ પાછી ઠેલવવી જોઈએ જેથી આગામી સપ્તાહે હ્યુજીસની અંતિમ વિધિમાં ખેલાડીઓ સામેલ થઈ શકે.

આગળ ક્લિક કરો અને જુઓ, કેવી રીતે અપાઈ રહી છે ફિલિપ હ્યુજીસને શ્રદ્ધાંજલિ