• Gujarati News
  • Asian Champions Trophy: India Go Down 4 5 To Pakistan

પાકિસ્તાન સામે ભારતનો પરાજય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૪-પના પરાજય સાથે ભારત એશિયન ચેમ્પિયન્સ હોકીની ફાઇનલની હોડમાંથી બહાર

ભારતીય મેન્સ હોકી ટીમને કાકામિગાહારા ખાતે રમાતી એશિયન ચેમ્પિયન્સ હોકી ટૂર્નામેન્ટમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ભારે રસાકસી બાદ ૪-પથી પરાજયનો સામનો કરવો પડયો હતો. બંને ટીમોએ આક્રમક રમતનું પ્રદર્શન કરતાં મુકાબલો અનેક ચઢાવઉતારવાળો બન્યો હતો. ભારતીય ટીમ ત્રણ વખત પાછળ રહી હતી અને વળતો પ્રહાર કરીને સરસાઇ સરભર કરવામાં સફળ પણ રહી હતી. પાકિસ્તાને નોંધાવેલા પાંચમા ગોલનો ભારત પાસે કોઇ જવાબ નહોતો અને આ પરાજય સાથે ભારત ફાઇનલની હોડમાંથી બહાર થઇ ગયું છે.

પાકિસ્તાન પહેલાં જાપાન અને ચીને પણ ભારતને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતે એકમાત્ર વિજય ઓમાન સામે મેળવ્યો હતો. ભારતની અંતિમ લીગ મેચ મલેશિયા સામે શુક્રવારે રમાશે. પાકિસ્તાન તરફથી અબ્દુલ હસીમે બીજી જ મિનિટે ગોલ કરીને પોતાની ટીમને સરસાઇ અપાવી દીધી હતી. ત્યારબાદ ૨૨ મિનિટ સુધી કોઇ ગોલ નોંધાયો નહોતો. ભારતે ત્યારપછીની છ મિનિટમાં ગોલ કરીને સરસાઇ ૨-૧ની કરી લીધી હતી. આ ગોલ ગુરજિન્દરસિંહે ૨૪મી તથા અમિત રોહિ‌દાસે ૩૦ મિનિટે કર્યા હતા. મોહમ્મદ ઇરફાને ૩પમી મિનિટે ગોલ કરીને પાકિસ્તાન માટે સરસાઇ ૨-૨થી સરભર કરી હતી.

બીજો હાફ પાકિસ્તાનના નામે રહ્યો હતો જેમાં મોહમ્મદ રિઝવાને ૩૬મી તથા ૪૪મી તથા મોહમ્મદ રિઝવાન જુનિયરે પ૩મી મિનિટે ગોલ કર્યા હતા. ભારત માટે મનપ્રીતસિંહે ૪૦મી તથા મલકસિંહે ૪૯મી મિનિટે ગોલ કર્યા હતા. રિઝવાન જુનિયરનો ગોલ નિર્ણાયક સાબિત થયો હતો અને પાકિસ્તાને મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી.

ભારતીય મહિ‌લા હોકી ટીમનો પરાજય

અંતિમ મિનિટોમાં હરીફ ટીમે નિર્ણાયક ગોલ કરતા ભારતીય મહિ‌લા ટીમનો એશિયન ચેમ્પિયન્સ હોકીમાં જાપાન સામે ૧-૨થી પરાજય થયો હતો. જાપાન તરફથી ઓસુકા શિહોએ પેનલ્ટી કોર્નર દ્વારા બે મિનિટ બાકી હતી ત્યારે ગોલ નોંધાવીને પોતાની ટીમને વિજય અપાવી દીધો હતો. અગાઉ ભારતે ચીનને ૪-૨થી, મલેશિયાને પ-૧થી પરાજય આપીને જાપાન બાદ પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે.