તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Andy Murray Wins Wimbledon, Ends 77 year British Drought

વર્ષો બાદ વિમ્બલડન જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી, એન્ડી મરે ચેમ્પિયન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એન્ડી મરે વિમ્બલડન ચેમ્પિયન
- ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવ્યો, ૭૭ વર્ષ બાદ વિમ્બલડન જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી

અત્યંત તનાવપૂર્ણ બનેલી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં બ્રિટનના સ્થાનિક ખેલાડી એન્ડી મરેએ પ્રભુત્વ મેળવતા વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચની પીછેહઠ થઇ હતી. બે સેટના અંતે મરેએ ૬-૪, ૭-૫થી સરસાઇ મેળવીને જોકોવિચને દબાણ હેઠળ લાવી દીધો હતો. ત્યારબાદ મરે આક્રમક રમત રમીને ત્રીજા સેટને ૬-૪થી જીતીને ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી લીધો હતો.

આ સાથે ૭૭ વર્ષ બાદ ઘરઆંગણાનો ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી બન્યો હતો. મરે પહેલા ફ્રેડ પેરીએ ૧૯૩૬માં આ ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. કારકિર્દીમાં બીજો ગ્રાન્ડસ્લેમ જીતનાર મરે અગાઉ ૨૦૧૨માં યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે મરે સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર સામે ફાઇનલમાં હારી ગયો હતો.

પ્રથમ સેટમાં ઝંઝાવાતી ૧૭ એસ : બ્રિટિશ ખેલાડી મરેએ પ્રથમ સેટમાં આકર્ષક બેઝલાઇન રમતનું પ્રદર્શન કરીને ૧૭ વિનર્સ તથા પાંચ એસ ફટકાર્યા હતા. જેની સામે જોકોવિચે એક એસ તથા છ વિનર્સ ફટકાર્યા હતા. આ સેટ ૫૯ મિનિટ સુધી રમાયો હતો.

બીજો સેટ પણ મરેના નામે : ૬૯ મિનિટ સુધી રમાયેલા બીજા સેટમાં પણ મરેએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ચાર ઝંઝાવાતી એસ ફટકાર્યા હતા. વિનર્સના મામલે બંને ખેલાડીઓ સરખા રહ્યા હતા અને બંનેએ ૪-૪ વિનર્સ ફટકાર્યા હતા. કારકિર્દીમાં સાતમો ગ્રાન્ડસ્લેમ જીતવાના પ્રયાસમાં રહેલા જોકોવિચે બીજા સેટમાં ૧૨ અનફોર્સ એરર કરીને સ્કોર સરભર કરવાની તક ગુમાવી હતી.

ત્રીજો સેટ રોમાંચક બન્યો : બંને ખેલાડીઓએ આક્રમક બેઝલાઇન રમતનું પ્રદર્શન કરીને એકબીજાને હંફાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરચક સ્ટેડિયમની વચ્ચે પ્રેક્ષકોએ પણ બંને ખેલાડીઓને પ્રત્યેક પોઇન્ટે પ્રોત્સાહન આપ્યું હતું. ૪૭ મિનિટ સુધી રમાયેલા ત્રીજા સેટમાં જોકોવિચે આક્રમક રમત રમીને ૧૦ વિનર્સ ફટકાર્યા હતા.

જેની સામે મરેએ ધીરજપૂર્વકની રમત દાખવીને નેટ્સ પર વધારે સારું પ્રદર્શન કરીને માત્ર પાંચ વિનર્સ ફટકારીને પોઇન્ટ હાંસલ કર્યા હતા. સ્કોર જ્યારે ૫-૪નો હતો ત્યારે મરે દબાણ હેઠળ આવી ગયો હતો અને ધીરજ ગુમાવી દેતાં એક સમયે જોકોવિચ મેચમાં પાછો ફરશે તેમ લાગતું હતું પરંતુ મરેએ આખરે ૬-૪થી વિજય હાંસલ કરીને ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી લીધો હતો.