તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ind Vs Eng ત્રીજી ટેસ્ટ: ભારતે મેળવી 292 રનની લીડ, પંડ્યાએ પહેલીવાર લીધી ઇનિંગમાં 5 વિકેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોહલીની સદીની મદદથી ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતે 7 વિકેટે 352 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હાર્દિક પંડ્યા 52 અને આર. અશ્વિન 1 રન સાથે અણનમ રહ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 8 ઓવરમાં 23 રન બનાવ્યા છે. કૂક 9 રને અને જેનિંગ્સ 13 રને રમતમાં છે.

 

હાર્દિકની અડધી સદી બાદ ભારતે દાવ ડિકલેર કર્યો


ભારતે ત્રીજા દિવસની શરૂઆત બે વિકેટ પર 124 રનના સ્કોરથી કરી હતી. લંચ સુધીમાં પુજારા અને વિરાટે ટીમને બે વિકેટે 194ના સ્કોર પર પહોંચાડી દીધું હતું.  બીજા સત્રમાં સ્ટોક્સે ઈંગ્લેન્ડને સફળતા અપાવી તેણે પુજારાને (72) કૂકના હાથમાં ઝડપાવી દીધો. ત્યાર બાદ કોહલી અને રહાણેએ 81 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ સાથે કોહલીએ શ્રેણીમાં તેની પહેલી અને કારકિર્દીની 23મી સદી ફટકારી હતી. પરંતુ વોક્સે કોહલીને 103 રનના અંગત સ્કોરે લેગ બિફોર કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. બોલિંગમાં ઉત્કૃષ્ટપ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાએ અડધી સદી પૂરી કરી હતી. હાર્દિકની અડધી સદી બાદ ભારતે દાવ ડિકલેર કર્યો હતો.

 

હું કપિલ નહીં, હાર્દિક પંડ્યા છું


હાર્દિક પંડ્યાએ કહ્યું તેની સરખામણી કપિલદેવ સાથે થઈ રહી છે, જે એકદમ ખોટું છે. લોકો કપિલ સાથે સરખામણી કર્યા બાદ કંઈક ખોટું થાય એટલે કહે છે હું તેમના જેવો નથી. હું માત્ર હાર્દિક પંડ્યા છું અને મને હાર્દિક પંડ્યા જ રહેવા દો. મને ખબર છે હું શું છું. મને ટીમનું સમર્થન છે. તે જ મારા માટે મહત્વનું છે.

 

ભારતે ગઇકાલે 124 રન બનાવી લીધા હતા

 

બીજા દિવસે મેચ ખતમ થઇ ત્યારે ભારતે બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાને 124 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પૂજારા અને કેપ્ટ વિરાટ કોહલી હાલ ક્રીઝ પર છે. ગઇકાલે બીજી ઇનિંગમાં ઝડપથી અડધી સદી તરફ આગળ વધી રહેલા શિખર ધવનને આદિલ રશીદે 44 રન પર સ્ટમ્પઆઉટ કર્યો. ધવન અને પૂજારાની વચ્ચે 51 રનની ભાગીદારી થઇ. કેએલ રાહુલ પણ 36 રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર બોલ્ડ થઇ ગયો. 

 

પહેલી ઇનિંગમાં 161 રને ઇંગ્લેન્ડ થયું ઓલઆઉટ

 

- આ પહેલા પહેલી ઇનિંગમાં ભારતના 329 રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 161 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે સૌથી વધુ 37 રન બનાવ્યા. 

- હાર્દિક પંડ્યાએ સતત બે ઓવરોમાં 4 વિકેટ લઇને ઇંગ્લેન્ડને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવી દીધું. તેણે પોતાની ફક્ત 6 ઓવરમાં પાંચ બેટ્સમેનને આઉટ કર્યા.

- આ પહેલીવાર છે જ્યારે પંડ્યાએ એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી. ભારત માટે ઇશાંત શર્મા બીજો સફળ બોલર રહ્યો. તેણે બે વિકેટ પોતાના નામે કરી. 

અન્ય સમાચારો પણ છે...