હરકતોમાંથી બાજ નહીં આવે આસારમ: સાક્ષીના પતિના માથામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નારાયણ કેસ બાદ આસારામ દુષ્કર્મ કેસમાં હવે સાક્ષીના પતિ પર હુમલો
- ૧પ દિવસમાં બીજો બનાવ : આ વખતે માથામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો
- બાઇક પર જઈ રહેલા કલ્પેશભાઈને પાલના સ્વસ્તિક વીલા એપાર્ટમેન્ટના ગેટ પાસે નિશાન બનાવાયો
- સ્થાનિક લોકોએ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડતા હાલત સુધારા પર

આસારામ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ અમદાવાદ પોલીસે કેટલાક સાક્ષીઓ શોધી કાઢયા હતા. જેમાંથી સુરત રહેતાં એક સાક્ષીના પતિ પર બે અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કર્યો છે. પાછળથી હુમલો થયો હોઈ યુવાને અજાણ્યાઓને જોયા ન હતા. ઘવાયેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોગ્રાફીનું કામ કરતા અને અડાજણમાં રહેતા કલ્પેશ પટેલ (આ કેસ સંવેદનશીલ હોઈ નામ બદલ્યું છે) સોમવારે સાંજે પોતાની બાઇક ઉપર બેસી ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પાલ વિસ્તારમાં સ્વસ્તિક વીલા એપાર્ટમેન્ટના ગેટ પાસે જ તેમને બે અજાણ્યા ઇસમોએ તેમની બાઇકથી ટક્કર મારી પાડી દીધા હતા. અજાણયાઓએ ભેગા મળીને કલ્પેશભાઈના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ અજાણ્યા ભાગી છૂટયા હતા. સ્થાનિક લોકો કલ્પેશભાઈની મદદે આવ્યા અને તેમને એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ તરફથી અડાજણ પોલીસને જાણ કરાતાં પીઆઈ એસ. એમ. પટેલ હોસ્પિટલે ધસી ગયા હતા. જ્યાં કલ્પેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે, નારાયણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી યુવતીના પતિ પર પખવાડિયા પહેલા જ જીવલેણ હુમલો થયો હતો અને હવે આસારામ સામેના દુષ્કર્મ કેસના જે મુખ્ય સાક્ષી છે તેમના પતિ પર હુમલો થયો છે. આવા પ્રકારના હુમલા કરી ફરિયાદી અને સાક્ષીઓને ગભરાવવા માટે આસારામ-નારાયણના સાધકોનું કાવતરું હોય તેમ પોલીસને લાગી રહ્યું છે.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....