જામનગરમાં મજૂરો ડેરી સંચાલકની રોકડ રકમ ચોરી ગયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે પૈકી એક શખ્સને અમદાવાદથી પકડી પાડતી પોલીસ જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી ડેરીના વર્કશોપમાંથી ડેરીમાં જ કામ કરતાં બે શખ્સો રૂ.૧.૨૨ લાખની રોકડ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે એક આરોપીને અમદાવાદથી દબોચી લીધો છે. જામનગરમાં સીટી-બી પોલીસ દફતરે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદની વિગત મુજબ ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજનગરમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતાં હરેશ જગદીશભાઇ વધાસીયા નામના યુવાનની શરૂ સેકશન રોડ પર આવેલી ડેરીના વર્કશોપમાંથી મજૂર ઓમદત મનીરામ બધેલ અને અમારીત ઉર્ફે બકીલ બધેલ નામના બન્ને શખ્સો સુટકેશને હાથવગી કરી, એક સાઇડનો લોક તોડી રૂ.૧,૨૨,૦૦૦ની રોકડ કાઢી નાશી ગયા હતાં. ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ બનેલા આ બનાવ અંગે ડેરી સંચાલક હરેશભાઇએ સીટી-બી ડિવીઝન પોલીસ દફતરમાં અરજી કરી હતી, જેના આધારે ખોડિયાર પોલીસ ચોકીના પીએસઆઇ એન.ડી.નકુમ સહિતના સ્ટાફે ઉતરપ્રદેશના આગ્રા જિલ્લાના બન્ને શખ્સોના મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપી ઓમદતનું લોકેશન મળી જતાં પોલીસે અમદાવાદ દોડી જઇ પકડી પાડયો હતો. પોલીસે અન્ય આરોપીને પકડી પાડ્યા તથા રોકડ રીકવર કરવા પકડાયેલા શખ્સને જામનગર લઇ આવી, કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.