જામનગરમાં કર્મચારીઓની સામૂહિક રજાથી કચેરીઓ ઠપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લાના શૈક્ષણિક સંઘો, રેવન્યુ અને બોર્ડ નિગમના કર્મીઓ માસ સી.એલ.થી અલિપ્ત રહ્યા જામનગરમાં સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્ન ન ઉકેલાતા પાડેલી સામુહિક રજાથી સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. જિલ્લાના શૈક્ષણિક સંઘો તથા રેવન્યુ અને બોર્ડ નિગમના કર્મચારીઓ માસ સી.એલ.થી અલિ’ રહયા હતાં. સરકારી કર્મચારીઓની ૧૩ પડતર માંગણીઓનું નિરાકરણ કરવા અનેક વખત રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી. આમ છતાં સરકારે મચક ન આપતાં રાજ્યભરમાં તા.૨૭ના જુદા-જુદા સરકારી વિભાગોના કર્મચારીઓ, અધિકારીઓ માસ સી.એલ. પર જશે તેવું એલાન ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આપ્યું હતું. તેના પગલે આજરોજ જામનગરમાં જી.જી. હોસ્પિટલ, તિજોરી કચેરી, હિસાબી કચેરી, મહેસુલ વિભાગને લગત કચેરીઓ, અમુક બોર્ડ નિગમના કર્મચારીઓ માસ સી.એલ. પર ગયા હતાં. જેના કારણે કચેરીઓ ખાલી-ખાલી જોવા મળી હતી અને તમામ કામકાજ બંધ રહયું હતું. ખાસ કરીને જી.જી. હોસ્પિટલમાં કર્મચારીઓની સામુહિક રજાઓને કારણે દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જો કે, આ માસ સી.એલ.ના એલાનમાં જિલ્લા પંચાયત, શૈક્ષણિક સંઘોના હોદેદારો અને સભ્યો જોડાયા ન હતા. આથી જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળાઓ ચાલુ રહી હતી. ગુજરાત રાજ્ય સંકલન સમિતિ સાથે જોડાયેલા યુનિયનોએ અનેક વખત પડતર માંગણી અને અનુસંધાને રાજ્ય સરકારને રજૂઆતો કરી છે. છતાં કોઇ ઉકેલ ન આવતાં કર્મચારીઓએ માસ સી.એલ. કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચિમકી પણ સંકલન સમિતિએ ઉચ્ચારી છે.