જામનગરમાં ૨૧મીથી પાણીકાપ નિશ્વિત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એકાદ બે દિવસમાં જ કરાશે સત્તાવાર જાહેરાત, ૩૧ જુલાઇ બાદ પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ વરસાદનાં અભાવે જામનગરને પાણી પુરૂ પાડતા જળાશયો જવાબ દેવા લાગતા શહેરમાં આગામી ર૧મી જુલાઇથી પાણી કાપ નિશ્વિત બન્યો છે. આ અંગેની સતાવાર જાહેરાત એકાદ બે દિવસમાં જ કરવામાં આવશે. જામનગર શહેરમાં હાલ એકાંતરા ૪પ મીનીટ પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ માટે દૈનિક ૮૦ થી ૮પ એમ.એલ.ડી. પાણીનાં જથ્થાની જરૂરીયાત રહે છે. જે હાલ રણજીતસાગર, સસોઇ, ઉંડ-૧, આજી-૩ અને નર્મદા પાઇપલાઇનમાંથી મેળવવામાં આવે છે. શહેરને પાણી પુરૂ પાડતા ઉપરોકત ચારેય જળાશયોમાં નવા પાણીની આવકનાં અભાવે ઉપલબ્ધ જથ્થામાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે તે જોતા હાલની વિતરણ વ્યવસ્થા વધુમાં વધુ ૩૧ જુલાઇ સુધી જ જાળવી શકાય તેમ છે ત્યારે જો વરસાદ ખેંચાય અને પાણીની કટોકટી સર્જાય તે પહેલા ઉપલબ્ધ જથ્થાને વધુ સમય ચલાવવા માટે શહેરમાં વિતરણ થતા પાણીના જથ્થામાં કાપ મુકવો અનિવાર્ય હોવાનું સતાધીશો જણાવી રહ્યા છે. જામનગરમાં ગંભીર જળસંકટનાં એંધાણ સાંપડી રહ્યા છે ત્યારે પાણી માટે બનાવવામાં આવેલી સમિતીની શુક્રવારે યોજાનારી બેઠકમાં આગામી ર૧ જુલાઇથી શહેરમાં એક દિવસનો પાણી કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. - આયોજન તૈયાર છે : મેયર જામનગર શહેર પર તોળાઇ રહેલા જળસંકટ અંગે મેયર અમીબેન પરીખે જણાવ્યું હતું કે, જળાશયોમાં પાણીની સ્થિતિને ધ્યાનમાં લેતા શહેરમાં પાણી કાપ અનિવાર્ય બન્યો છે. આ માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને ર૧ જુલાઇથી તેની અમલવારી શરૂ કરવામાં આવશે. પાણી કાપ અંગેનાં નિર્ણયની એકાદ બે દિવસમાં જ જાહેરાત કરવામાં આવશે. - નર્મદાના પાણીમાં નિયમિત ધાંધિયા નર્મદાના પાણીમાં નિયમિત ધાંધીયાને કારણે તેના પર ભરોસો રાખી શકાય તેમ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી જામનગરને નર્મદાનું પાણી ઉપલબ્ધ થયું નથી. બીજી તરફ મોરબી પાસેનાં ઉદ્યોગોને આ લાઇનમાંથી ૪પ એમ.એલ.ડી. પાણી ફાળવવામાં આવી રહ્યું છે. જામનગરનાં લોકોનાં ભોગે ઉદ્યોગોને અપાતા પાણી સામે પણ પ્રશ્ને ઉભા થયા છે. - ઝોન દીઠ એક દિવસનો કાપ શહેરમાં હાલ જુદા-જુદા છ ઝોન વાઇસ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે ર૧મીથી દરેક ઝોનમાં એક દિવસનો પાણી કાપ મુકવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. - સંરક્ષણ દળોને અપાતા જથ્થામાં મુકાશે કાપ જામ્યુકોની વોટર વર્કસ શાખાના સુત્રોનાં જણાવ્યા અનુસાર જામનગર સ્થિત લશ્કરની ત્રણે પાંખોને દૈનિક ૧૦ થી ૧ર એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે. ત્યારે પાણીની કટોકટીને ધ્યાનમાં લેતા તેઓને અપાતા જથ્થામાં ૫૦ ટકાનો કાપ મુકવામાં આવશે.